ઓક્સિજન વિવાદઃ કેન્દ્ર સરકાર ખોટી છે, તેમના સામે કેસ થવો જોઈએ: સંજય રાઉત

21 July, 2021 04:39 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

સંસદમાં ઓક્સિજનને કારણે એક પણ લોકોના મોત થયા ન હોવાની વાત થતાં હોબાળો મચ્યો છે. આ મામલે સંજય રાઉતે પણ પ્રતિક્રિયા આપી છે.

સંજય રાઉત (ફાઈલ ફોટો)

સંસદના ચોમાસું સત્રમાં કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી ડૉ. ભારતી પ્રવીણ કુમારે `ઓક્સિજનના અભાવને કારણે કોઈ મૃત્યુ ન થવાનું` લેખિત નિવેદન આપ્યા બાદ રાજકીય હલચલ મચી ગઈ છે. આ મામલે શિવસેનાના સાંસદ સંજય રાઉતે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આવા ખોટા નિવેદનો આપવા બદલ સરકાર સામે કેસ નોંધવો જોઇએ.

આ મામલે પ્રતિક્રિયા આપતાં રાઉતે કહ્યું કે, કેટલાય રાજ્યોમાં ઓક્સિજનની અછતને કારણે ઘણા લોકોનાં મોત નીપજ્યાં છે. ઓક્સિજનની અછતને કારણે જેમના સંબંધીઓ મૃત્યુ પામ્યા છે, તે લોકોએ કેન્દ્ર સરકારને કોર્ટમાં લઈ જવી જોઈએ. 

રાજ્યસભાના સદસ્યએ પત્રકારો સાથે વાતચીત કરતી વખતે કટાક્ષથી કહ્યું કે, કેન્દ્ર સરકાર સત્યથી ભાગી રહી છે. મને લાગે છે કે તે પેગાસસ (ઇઝરાઇલી સ્પાયવેર) ની અસર છે. વધુમાં સેનાના મુખ્ય પ્રવક્તાએ કહ્યું કે,  જે લોકોના સગા સંબંધીએ ઓક્સિજનના અભાવને કારણે મૃત્યુ પામ્યા છે તે લોકોને આ સાંભળીને શું થતુ હશે. તે જાણવાની જરુર છે કે તે લોકો સંસદમાં રજૂ થયેલી આ માહિતી પર કેટલો વિશ્વાસ રાખે છે.  

કેન્દ્ર સરકારે મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેર દરમિયાન તબીબી ઓક્સિજનની માંગમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો હતો અને તે પ્રથમ લહેરની સરખામણીમાં ખુહ જ વધારે હતો.

તમને જણાવી દઈએ કે કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે મંગળવારે સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં સવાલ પૂછ્યો હતો કે કોરોનાની બીજી લહેર દરમિયાન ઘણા કોવિડ દર્દીઓ ઓક્સિજનના અભાવે મૃત્યુ પામ્યા હતા? જેના લેખિત જવાબમાં નવનિયુક્ત કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી ડો.ભારતી પ્રવીણ કુમારે કહ્યું હતું કે,ઓક્સિજનના અભાવને કારણે દેશમાં એક પણ મૃત્યુ થયું નથી. તેમના દ્વારા સંસદમાં રજૂ કરાયેલી આ લેખિત માહિતીને લઈ રાજકારણાં હલચલ મચી છે. 

sanjay raut maharashtra shiv sena