21 June, 2026 07:24 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે મોટી ક્રાન્તિ લાવવાના હેતુથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઉપરાંત વધુ ૭ નવા રૂટને લીલી ઝંડી આપી દીધી છે. હાલમાં મુંબઈ-અમદાવાદ કૉરિડોરનું કામ ચાલી રહ્યું છે ત્યારે સરકારે દેશનાં મોટાં આર્થિક, ઔદ્યોગિક, ટેક્નૉલૉજિકલ અને પ્રવાસન હબ્સને સાંકળવા માટે આ દીર્ઘકાલીન નૅશનલ વિઝન તૈયાર કર્યું છે. આ પ્રસ્તાવિત યોજના હેઠળ દેશનાં પ્રખ્યાત શહેરો વચ્ચે હાઈ-સ્પીડ ટ્રેનો દોડાવવામાં આવશે. એમાં મુંબઈ-પુણે, પુણે-હૈદરાબાદ, હૈદરાબાદ-બૅન્ગલોર, હૈદરાબાદ-ચેન્નઈ, ચેન્નઈ-બૅન્ગલોર, દિલ્હી-વારાણસી અને વારાણસી-સિલિગુડી રૂટનો સમાવેશ થાય છે.
સરકારના અહેવાલ અનુસાર આ પ્રસ્તાવિત હાઈ-સ્પીડ રેલ (HSR) નેટવર્ક માટે હજી બાંધકામની કોઈ ચોક્કસ સમયમર્યાદા જાહેર થઈ નથી; પરંતુ ટૂંક સમયમાં જ દરેક કૉરિડોર માટે ફીઝિબિલિટી સ્ટડી, જમીન-સંપાદન, મંજૂરીઓ અને ફન્ડિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ નવી લાઇનો શરૂ થવાથી બે મોટાં શહેરો વચ્ચેનું અંતર કલાકોને બદલે મિનિટોમાં સીમિત થઈ જશે. આ મહત્ત્વાકાંક્ષી HSR પ્રોજેક્ટ આગામી સમયમાં દેશના આર્થિક વિકાસને નવી ગતિ આપશે અને કરોડો પ્રવાસીઓનો કીમતી સમય બચાવશે.
નવા રૂટ અને મુસાફરીના અંદાજિત સમયની ઝલક
મુંબઈથી પુણે ૪૮ મિનિટ
બૅન્ગલોરથી ચેન્નઈ ૭૩ મિનિટ
દિલ્હીથી વારાણસી ૩ કલાક ૧૫ મિનિટ
બૅન્ગલોરથી હૈદરાબાદ બે કલાક ૧૦ મિનિટ
પુણેથી હૈદરાબાદ બે કલાક ૮ મિનિટ
દિલ્હીથી લખનઉ બે કલાક
દિલ્હીથી સિલિગુડી ૬ કલાક
રેલવેએ ટિકિટ વગર મુસાફરી કરતા લોકો માટે મિનિમમ ફાઇનની રકમ ૨૫૦ રૂપિયાથી વધારીને ૫૦૦ રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે. આ નવો નિયમ પહેલી જુલાઈથી લાગુ થશે. એની સાથે અન્ય વ્યક્તિના નામની ટિકિટ પર પ્રવાસ કરનારે પણ હવે ભાડાની રકમ અને ૫૦૦ રૂપિયા મિનિમમ ફાઇન આપવો પડશે. ફાઇન ન ચૂકવનારાઓ સામે પોલીસ-કાર્યવાહી કરવામાં આવશે.
બીજા કડક નિયમો
રેલવે ટ્રેનમાં નશામાં ધુત થઈ ધમાલ કરીને અન્ય પ્રવાસીઓને હેરાન કરતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરીને ૧૦૦૦ રૂપિયાનો ફાઇન કરશે અને એમને ટ્રેનમાંથી ઉતારી મૂકવામાં આવશે. એ સાથે જ ટ્રેન અને રેલવેના પરિસરમાં ગેરકાયદે ધંધો કરતા ફેરિયાઓ અને રેલવેમાં ભીખ માગનારાઓને ૨૦૦૦ રૂપિયાનો ફાઇન કરવામાં આશવે. જો તેઓ ફરી-ફરી નિયમોનો ભંગ કરશે તો તેમને એક વર્ષ સુધીની કેદ પણ થઈ શકે છે. રેલવે બોર્ડે એની ઝોનલ ઑફિસને આ બાબતે માહિતી આપીને કહ્યું છે કે પહેલી જુલાઈથી આ નવા નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવે.
આરેથી કફ પરેડ સુધી અન્ડરગ્રાઉન્ડ દોડતી મેટ્રો 3માં પ્રવાસીઓને મોબાઇલ નેટવર્ક ન મળતું હોવાથી ભારે હાલાકી ભોગવવી પડતી હતી. જોકે હવે એ સમસ્યાનો ઉકેલ આવી ગયો છે. વોડાફોન ઇન્ડિયાએ ૩૩.૫ કિલોમીટર લાંબા આ અન્ડરગ્રાઉન્ડ સ્ટ્રેચનાં બધાં જ ૨૭ સ્ટેશનો પર એમનું નેટવર્ક મળે એ માટેની વ્યવસ્થા ગોઠવી દીધી છે. પ્રવાસીઓને BSNLનું નેટવર્ક પણ મળે એની ગોઠવણ કરવામાં આવી છે. જોકે ઍરટેલ અને જિયોનું નેટવર્ક હવે ૧૫ જુલાઈ પછી મળતું થશે. હાલ ઍરટેલના ગ્રાહકોને સીપ્ઝ અને બાંદરા–કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) વચ્ચે નેટવર્ક મળી
રહ્યું છે.