રોગચાળાને કારણે દહીહંડીની ધામધૂમ વગર ઉજવણી

13 August, 2020 09:33 AM IST  |  Mumbai Desk | Agencies

રોગચાળાને કારણે દહીહંડીની ધામધૂમ વગર ઉજવણી

સુરક્ષા સાથે ઉજવણી : માસ્ક પહેરીને પૂરતી સાવચેતી સાથે મટકી ફોડતા બાળગોપાળ. જોનારાએ પણ એટલી જ સાવચેતી રાખી હતી. તસવીર : પી.ટી.આઇ.

કોરોના રોગચાળાને કારણે સાર્વજનિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણો અને લૉકડાઉનને કારણે ગઈ કાલે જન્માષ્ટમી નિમિત્તે મહારાષ્ટ્રમાં પરંપરાગત રીતે ઊજવાતો દહીહંડીનો તહેવાર ધામધૂમ વગર ઊજવાયો હતો. સામાન્ય રીતે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ગોવિંદાઓ વિવિધ વિસ્તારોમાં ફરતા હોય અને ઢોલનગારાંના વાદન વચ્ચે પિરામિડ બનાવીને દહીં ભરેલી મટકી (હંડી) ફોડતા હોય ત્યારે એ ઘટનાને માણવા લોકો મોટી સંખ્યામાં એકઠા થતા હોય છે. પરંતુ આ વર્ષે રોગચાળાને કારણે સોશ્યલ ડિસ્ટન્સિંગના કડક પાલન માટે દહીહંડી આયોજક મંડળોએ માનવ પિરામિડ્સ રચ્યા નહોતા. મંડળોએ રક્તદાન શિબિરો અને પ્લાસ્ટિક હટાવો ઝુંબેશ યોજવા જેવા સમાજસેવાના ઉપક્રમો હાથ ધર્યા હતા.
દર વર્ષે મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈ અને થાણે-ભિવંડી-નવી મુંબઈ જેવાં આસપાસનાં શહેરોમાં દહીહંડી ખૂબ ઉત્સાહપૂર્વક ઊજવાય છે. મટકી ઊંચાઈ પર બાંધીને એ ફોડવા બદલ ગોવિંદાઓને મોટી રકમોની બક્ષિશોની પણ જાહેરાતો કરવામાં આવે છે. બીજેપીના ઘાટકોપરના વિધાનસભ્ય રામ કદમે જણાવ્યું હતું કે ‘કેટલાંક વર્ષોથી અમારા મંડળની મટકી આખા ભારતમાં સૌથી વધારે ધામધૂમવાળી અને સૌથી મોટી મનાય છે. અમારા મંડળના દહીહંડીના ઉત્સવમાં પાંચ લાખથી છ લાખ લોકો સામેલ થતા હોય છે. પરંતુ આ વર્ષે સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમો પાળવા માટે ગોવિંદાનાં મંડળોને બોલાવીને માનવ પિરામિડ્સ રચીને મટકી ફોડવામાં આવી નહોતી. પ્રતીકાત્મક રૂપે એક બાળકે ટેબલ પર ચડીને મટકી ફોડી હતી. આ વર્ષે અમે ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કરીને રાષ્ટ્રની આત્મનિર્ભરતા જાળવવાની દિશામાં પ્રવૃત્તિ કરી હતી.’
મહારાષ્ટ્રનાં 950 ગોવિંદા-દહીહંડી મંડળોના સંગઠન દહીહંડી ઉત્સવ સમન્વય સમિતિના પ્રમુખ બાળા પડાળકરે જણાવ્યું હતું કે ‘આ વર્ષે હંમેશ જેવો ઉત્સાહ નહોતો. વિવિધ ગોવિંદા મંડળોએ મટકી ફોડવા માટે શહેરમાં એકથી બીજા ઠેકાણે હરવાફરવાનું બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મટકી ફોડવા માટે માનવ પિરામિડ્સ રચવાને બદલે દરેક મંડળે એમના વિસ્તારમાં ભગવાન કૃષ્ણની પૂજા કરીને રક્તદાન શિબિરો જેવા સમાજસેવાના કાર્યક્રમો યોજ્યા હતા.’

mumbai mumbai news national news