સીબીએસઈની દસમા ધોરણની પરીક્ષા રદ, બારમાની એક્ઝામ પાછી ઠેલાઈ

15 April, 2021 11:45 AM IST  |  New Delhi | Agency

સીબીએસઈની બારમા ધોરણની પરીક્ષા પણ રદ કરો : પ્રિયંકા વાડ્રા

GMD Logo

દેશભરમાં કોરોનાના કેસોમાં થયેલા અસાધારણ વધારાને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)ની દસમા ધોરણની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે તથા બારમા ધોરણની પરીક્ષાઓ પાછી ઠેલવામાં આવી છે એમ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશાંકે બુધવારે જાહેરાત કરી હતી. પરીક્ષાઓ રદ કરવા માટે વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ તથા અન્ય હિતધારકો દ્વારા કરવામાં આવેલી માગણીને પગલે બુધવારે બપોરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઉપરોક્ત નિર્ણય લેવાયો હતો.
બેઠક દરમિયાન પીએમ મોદીએ દસમા ધોરણની પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓના આરોગ્ય બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. વડા પ્રધાને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે દેશનાં બાળકોનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકી શકાય નહીં. આથી પરીક્ષાઓને પાછી ઠેલવા કરતાં એને રદ કરવી બહેતર છે. જોકે પીએમે દસમા ધોરણની પરીક્ષાઓ રદ કરવા પર અને બારમા ધોરણની પરીક્ષાઓ પાછી ઠેલવા પર મંજૂરીની મહોર મારી હતી.

સીબીએસઈની બારમા ધોરણની પરીક્ષા પણ રદ કરો : પ્રિયંકા વાડ્રા

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (સી.બી.એસ.ઈ.)ના તંત્રે દસમા ધોરણની પરીક્ષા જે રીતે રદ કરી એ રીતે બારમા ધોરણની પરીક્ષા પણ રદ કરવાની માગણી કૉન્ગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ કરી હતી. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને જૂન મહિના સુધી દબાણમાં રાખવાનો કોઈ અર્થ નથી. સી.બી.એસ.ઈ.ના દસમા અને બારમા ધોરણની પરીક્ષા ચોથી મેએ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

દસમા ધોરણમાં ગ્રેડિંગ માટે સમતોલ ધારાધોરણો આવશ્યક : પ્રિન્સિપાલો  

સી.બી.એસ.ઈ. બોર્ડની પરીક્ષાઓ વિશેના નિર્ણય બાબતે સ્કૂલોના પ્રિન્સિપાલો અને કેળવણીકારોએ મિશ્ર પ્રત્યાઘાતો વ્યક્ત કર્યા હતા. તેમણે દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે સમતોલ અને વાજબી ગ્રેડિંગ સિસ્ટમ લાગુ કરવાની અને બારમા ધોરણની પરીક્ષાનો કાર્યક્રમ વહેલી તકે જાહેર કરવાની માગણી કરી હતી. ડી.પી.એસ. ઇન્દ્રાપુરમ સ્કૂલનાં પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે ‘દસમા ધોરણની પરીક્ષા શાળાની છેલ્લી પરીક્ષા (સ્કૂલ લીવિંગ એક્ઝામિનેશન) નથી.’ 

national news priyanka gandhi