કોલસા કૌભાંડ મામલે મમતા બૅનરજીના ભત્રીજાના ઘરે પહોંચી સીબીઆઇની ટીમ

22 February, 2021 10:58 AM IST  |  New Delhi | Agencies

કોલસા કૌભાંડ મામલે મમતા બૅનરજીના ભત્રીજાના ઘરે પહોંચી સીબીઆઇની ટીમ

કોલસા કૌભાંડ મામલે મમતા બૅનરજીના ભત્રીજાના ઘરે પહોંચી સીબીઆઇની ટીમ

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉન્ગ્રેસનાં પ્રમુખ મમતા બૅનરજીના ભત્રીજા અભિષેકની પત્ની અને ભાભીને કોલસાચોરી કેસમાં સીબીઆઇએ નોટિસ મોકલી છે. સીબીઆઇની ટીમ આ કેસના સંદર્ભમાં અભિષેકના પત્ની રુજિરા બૅનરજીના ઘરે સમન્સ બજાવવા ગઈ હતી, પરંતુ ગઈ કાલે એમની પૂછપરછ થઈ શકી નથી. આ નોટિસને કારણે પશ્ચિમ બંગાળના રાજકીય માહોલમાં ઉકળાટ વધવાની શક્યતા છે. શુક્રવારે કોલસાચોરી કેસમાં કેટલીક વ્યક્તિઓના ઘરે સર્ચ ઑપરેશન પાર પાડ્યા પછી સીબીઆઇએ રુજિરા બૅનરજીને નોટિસ મોકલી હતી.
સીબીઆઇએ ગયા વર્ષે કોલસાચોરી કેસમાં એ કૌભાંડના સૂત્રધાર માંઝી ઉર્ફે લાલા, ઇસ્ટર્ન કૉલફિલ્ડના જનરલ મૅનેજર્સ અમિતકુમાર ધર અને જયેશચંદ્ર રાય તેમ જ ચીફ ઑફ સિક્યૉરિટી તન્મય દાસ, એરિયા સિક્યૉરિટી ઇન્સ્પેક્ટર ધનંજય રાય અને એરિયા સિક્યૉરિટી ઇન્ચાર્જ દેબાશિશ મુખરજી સામે એફઆઇઆર નોંધ્યો હતો. આરોપી માંઝી લાલા કનુસ્તોરિયા અને કજોરા વિસ્તારોમાં ઇસ્ટર્ન કૉલફિલ્ડની ખાણોમાંથી ગેરકાયદે રીતે ખોદકામ કરીને કોલસાની ચોરી કરતો હતો. અભિષેક બૅનરજીએ કહ્યું હતું કે આ પ્રકારની ધાકધમકીથી તેઓ ડરશે નહીં. રાજકીય કિન્નાખોરી રાખીને આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે.
આગામી એપ્રિલ-મે મહિનામાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે, ત્યારે ગયા વર્ષના એ કુખ્યાત કેસમાં પૂછપરછ માટે રુજિરા બૅનરજીને સીબીઆઇની નોટિસ રાજકારણમાં મોટા ખળભળાટનું કારણ બની શકે છે, કારણ કે લોકસભાના સભ્ય અભિષેક બૅનરજી રાજ્યના વજનદાર નેતાઓમાંથી એક છે. ૨૦૧૧ અને ૨૦૧૬ એમ સતત બે ટર્મથી પશ્ચિમ બંગાળ વિધાનસભામાં સત્તાધારી બનતા પક્ષ તૃણમૂલ કૉન્ગ્રેસનાં મૂળ ઉખેડી નાખવા માટે બીજેપી તનતોડ પ્રયાસો કરે છે, ત્યારે કોલસાચોરી કેસની તપાસને મુદ્દે મોટી ઊથલપાથલની શક્યતાઓ છે.

national news mamata banerjee