એનએસઈ કો-લોકેશન કૌભાંડના કેસમાં સીબીઆઇનું મુંબઈ સહિત અનેક શહેરોમાં સર્ચ ઑપરેશન

22 May, 2022 10:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સીબીઆઇએ એનએસઈ કો-લોકેશન કૌભાંડના કેસના સંબંધમાં ગઈ કાલે અનેક શહેરોમાં ૧૦થી વધારે સ્થળોએ સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું. 

ચિત્રા રામક્રિષ્ના

નવી દિલ્હી (પી.ટી.આઇ.) : સીબીઆઇએ એનએસઈ કો-લોકેશન કૌભાંડના કેસના સંબંધમાં ગઈ કાલે અનેક શહેરોમાં ૧૦થી વધારે સ્થળોએ સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું. 
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સર્ચ ઑપરેશનમાં મુંબઈ, ગાંધીનગર, દિલ્હી, નોએડા, ગુરુગ્રામ અને કલકત્તા તેમ જ અન્ય કેટલાંક શહેરોમાં અનેક બ્રોકર્સની પ્રીમાઇસિસ આવરી લેવામાં આવી હતી. એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ ગોટાળા દ્વારા દલાલોને થયેલા આર્થિક લાભની જાણકારી મેળવવા માટે જ આ સર્ચ ઑપરેશન શરૂ કરાયું હતું. 
સીબીઆઇએ આ કેસમાં એનએસઈ (નૅશનલ સ્ટૉક એક્સચેન્જ)ના ભૂતપૂર્વ સીઈઓ અને એમડી ચિત્રા રામક્રિષ્ના અને ગ્રુપ ઑપરેટિંગ ઑફિસર આનંદ સુબ્રમણ્યનની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. સીબીઆઇએ આરોપ મૂક્યો હતો કે ઓપીજી સિક્યૉરિટીઝના માલિક અને પ્રમોટરે એનએસઈના અધિકારીઓની સાથેના કાવતરામાં એનએસઈના સર્વરનો દુરુપયોગ કર્યો હતો. સીબીઆઇએ દિલ્હીસ્થિત ખાનગી કંપની ઓપીજી સિક્યૉરિટીઝના માલિક અને પ્રમોટર સંજય ગુપ્તાની વિરુદ્ધ ૨૦૧૮માં કેસ દાખલ કર્યો હતો. આ એજન્સી એનએસઈના અનેક અધિકારીઓની વિરુદ્ધ પણ તપાસ કરી રહી છે. 

national news national stock exchange