ખાતામાં બૅલેન્સ નહીં છતાં એક માણસે ડેબિટ કાર્ડથી ૩.૧૮ કરોડનું શૉપિંગ કર્યું

29 December, 2012 06:15 AM IST  | 

ખાતામાં બૅલેન્સ નહીં છતાં એક માણસે ડેબિટ કાર્ડથી ૩.૧૮ કરોડનું શૉપિંગ કર્યું

બૅન્કની ફરિયાદ બાદ જાન્યુઆરીમાં તેજો ભાસ્કર યેલાવર્તી નામના આ માણસ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એ પછી ગઈ કાલે સીબીઆઇ આ કેસમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. તપાસ દરમ્યાન સીબીઆઇએ તેની ધરપકડ કરી હતી. 

ચાર્જશીટમાં કરવામાં આવેલા આક્ષેપ મુજબ યેલાવર્તીએ ૨૦૧૦ની છઠ્ઠી સપ્ટેમ્બરથી ૨૦૧૧ની ૩૧ મે સુધી ભારત અને ઑસ્ટ્રેલિયામાં કુલ ૩૬૯૨ ટ્રાન્ઝેક્શન દ્વારા ૩.૧૮ કરોડ રૂપિયાનું શૉપિંગ કર્યું હતું, જ્યારે હકીકત એ છે કે આ સમય દરમ્યાન તેના ખાતામાં પૂરતી રકમ હતી જ નહીં. સીબીઆઇના જણાવ્યા પ્રમાણે યેલાવર્તીએ કેટલીક અજાણી વ્યક્તિઓ સાથે મળીને બૅન્ક સાથે ચીટિંગનું કાવતરું ઘડ્યું હતું. આંધ્ર પ્રદેશના વિજયવાડાની ર્કોટમાં સીબીઆઇએ યેલાવર્તી સામે ચાર્જશીટ ફાઇલ કરી છે. જે બે એટીએમ કાર્ડ દ્વારા યેલાવર્તીએ શૉપિંગ કર્યું હતું એ બન્ને કાર્ડ તેના નામે જ ઈશ્યુ કરવામાં આવ્યા હતા. તેના ઘરમાં પાડવામાં આવેલી રેડ દરમ્યાન સીબીઆઇને લૅપટૉપ, મોંઘા કૅમેરા, આઇપૉડ જેવી સંખ્યાબંધ ચીજવસ્તુઓ મળી હતી. બૅન્ક સાથે છેતરપિંડીની આ ઘટનામાં યેલાવર્તી સાથે અન્ય કોણ સંડોવાયેલા છે તેની સીબીઆઇ તપાસ કરી રહી છે.