આ કેન્ટીનમાં ફક્ત 30 પૈસામાં મળે છે ભરપેટ સ્વાદિષ્ટ ભોજન

26 December, 2018 05:02 PM IST  | 

આ કેન્ટીનમાં ફક્ત 30 પૈસામાં મળે છે ભરપેટ સ્વાદિષ્ટ ભોજન

ટાટા મોટર્સની આ અનોખી કેન્ટીનમાં દરરોજ આશરે પંદર હજાર કર્મચારીઓ ભોજન કરે છે.

ભોજનમાં દાળ-ભાત, બે પ્રકારના શાક, રોટલી, પાપડ, બે કેળાં, સલાડ, દહીં અને મિઠાઈ પણ. આ આખી થાળીની કિંમત ફક્ત 30 પૈસા! આશ્ચર્ય થાય એવી વાત છે પણ હા, આ થાળીની કિંમત ફક્ત 30 પૈસા જ છે. આ જ રીતે નાસ્તામાં નમકીન પુરી, પ્યાજી, લાડુ, હલવો, ચણાના લોટના ભજિયા, કચોરી અને આલૂચાપ, આ દરેક આઇટમ ફક્ત 6 પૈસામાં મળે છે. જો વિશ્વાસ ન થતો હોય તો જઇ આવો જમશેદપુર!

અહીંયા ટાટા મોટર્સની કેન્ટીન છે. અહીંયા દરરોજ લગભગ 15 હજાર કર્મચારી આ કેન્ટીનમાં ભોજનનો આનંદ ઉઠાવે છે. દાવો છે કે વિશ્વની કોઈપણ સરકારી કે બિનસરકારી કંપનીમાં આ પ્રકારની સુવિધા નહીં મળે. મોંઘવારીના આ સમયમાં જ્યાં કંપનીઓ દરેક પ્રકારની સુવિધામાં કપાત કરી રહી છે, ત્યારે ટાટા મોટર્સની આ કેન્ટીન 64 વર્ષોથી કોર્પોરેટ જગતમાં પોતાના કર્મચારીઓને એકદમ સસ્તું ભોજન પીરસી રહી છે. આ સુવિધા ફક્ત પરમેનન્ટ કર્મચારીઓ ઉપરાંત ટેમ્પરરી કર્મચારીઓ, ટ્રેઇની સ્ટાફ અને કોન્ટ્રાક્ટ બેઝ્ડ કર્મચારીઓ માટે પણ ઉપલબ્ધ છે. કંપનીમાં નાસ્તા અને ભોજન માટે ટોકન મળે છે. કર્મચારીઓ એક અઠવાડિયા માટે તેને ખરીદીને રાખે છે.

15 હજાર કર્મચારીઓ કરે છે ભોજન

ટાટા મોટર્સની આ અનોખી કેન્ટીનમાં દરરોજ આશરે પંદર હજાર કર્મચારીઓ ભોજન કરે છે. તેમાં પરમેનન્ટ, ટેમ્પરરી અને ટ્રેઇની સ્ટાફ તરીકે સાડા દસ હજાર કર્મચારીઓ છે જ્યારે સાડા ચાર હજાર જેવા કોન્ટ્રાક્ટ બેઝ્ડ કર્મચારીઓ છે. આ કેન્ટીનમાં ફક્ત પરમેનન્ટ કર્મચારીઓએ જ ભોજન માટે 60 પૈસા એટલે કે મહિને 20 રૂપિયા આપવા પડે છે, જ્યારે અન્ય કર્મચારીઓને ફક્ત 30 પૈસા જ આપવા પડે છે.

ટાટા મોટર્સ કંપની વર્ષ 1954માં સ્થાપિત થઈ હતી. ત્યારે જ આ કેન્ટીનનો પાયો નાખવામાં આવ્યો હતો. તે જ સમયથી અહીંયા ઓછી કિંમતે કર્મચારીઓને ભોજન અને નાસ્તો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કંપની પહેલા પોતે આ કેન્ટીન ચલાવતી હતી. હવે તેને સોડેસ્કો નામની એજન્સી ચલાવી રહી છે. બદલામાં ટાટા મોટર્સ સોડેસ્કોને ડોનેશન આપે છે.

સ્વ. ગોપેશ્વરે કરી હતી પહેલ

શરૂઆતમાં ટેલ્કો વર્કર્સ યુનિયનના મહામંત્રી રહેલા સ્વ. ગોપેશ્વરે આ કેન્ટીન માટે સૌપ્રથમ પહેલ કરી હતી. આ તેમના જ દિમાગની ઉપજ છે. યુનિયનના મહામંત્રી રહેલા ચંદ્રભાણ પ્રસાદે વર્ષ 2010માં કંપની સાથે ગ્રેડ રીવિઝન દરમિયાન ટોકનની જગ્યાએ પરમેનન્ટ કર્મચારીઓ માટે વેતનમાંથી જ દસ રૂપિયા કાપી લેવાની સુવિધા લાગુ કરાવી દીધી. વર્ષ 2017માં 31 જૂલાઈના રોજ રિ-ગ્રેડ એગ્રીમેન્ટ દરમિયાન પરમેનન્ટ કર્મચારીઓ માટે 60 પૈસા પ્રતિ થાળી નક્કી કરી દેવામાં આવ્યા. દર મહિને તેમના પગારમાંથી જ 10ની જગ્યાએ 20 રૂપિયા કપાવા લાગ્યા. જ્યારે નાસ્તાના ભાવ પહેલાની જેમ 6 પૈસા પ્રતિ આઇટમ યથાવત રાખવામાં આવ્યા. જ્યારે કોન્ટ્રાક્ટ બેઝ્ડ કર્મચારીઓ અને ટ્રેઇની સ્ટાફ માટે પહેલાની જેમ 30 પૈસાની કૂપન પર જ ભોજન મળી રહ્યું છે.

ટેલ્કો વર્કર્સ યુનિયનના પ્રવક્તા સંતોષ સિંહનું કહેવું છે કે કંપની એડમિનિસ્ટ્રેશન તેમજ યુનિયનની વચ્ચે સારા તાલમેલને કારણે જ આ શક્ય બન્યું છે. આ તાલમેલને ભવિષ્યમાં પણ જાળવી રાખવામાં આવશે.

jamshedpur