કલકત્તા પોલીસે નૂપુર શર્મા માટે લુકઆઉટ નોટિસ ઇશ્યુ કરી હતી

03 July, 2022 01:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કલકત્તાનાં ઍમ્હેર્સ્ટ સ્ટ્રીટ અને નર્કેલદંગા પોલીસ સ્ટેશન્સના અધિકારીઓ દ્વારા તેમની વિરુદ્ધ સમન્સ ઇશ્યુ કરવામાં આવ્યા હતા. જોકે તેઓ હાજર નહોતાં થયાં.

નૂપુર શર્મા

કલકત્તા પોલીસે બીજેપીનાં સસ્પેન્ડ કરાયેલાં પ્રવક્તા નૂપુર શર્મા માટે ગઈ કાલે લુકઆઉટ નોટિસ ઇશ્યુ કરી હતી. એક સીનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ‘પયગંબર મોહમ્મદ વિશેનાં નૂપુર શર્માનાં વિવાદાસ્પદ નિવેદનોના કારણે પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં વ્યાપકપણે હિંસા ફાટી નીકળી હતી. જે મામલે નૂપુર શર્મા સળંગ ચોથી વખત કલકત્તા પોલીસ સમક્ષ હાજર નહોતાં થયાં. 
કલકત્તાનાં ઍમ્હેર્સ્ટ સ્ટ્રીટ અને નર્કેલદંગા પોલીસ સ્ટેશન્સના અધિકારીઓ દ્વારા તેમની વિરુદ્ધ સમન્સ ઇશ્યુ કરવામાં આવ્યા હતા. જોકે તેઓ હાજર નહોતાં થયાં. 
આ બંને પોલીસ સ્ટેશન્સ દ્વારા તેમને બબ્બે વખત સમન્સ બજાવવામાં આવ્યા હતા. નૂપુર શર્માએ હાજર ન થવા માટેનાં કારણોમાં જણાવ્યું હતું કે ‘જો તેઓ કલકત્તા પહોંચશે તો તેમના પર હુમલો થાય એવી તેમને આશંકા છે. તેમણે પોલીસ ઑફિસર્સની સમક્ષ હાજર થવા માટે ચાર અઠવાડિયાંનો સમય માંગ્યો છે.’
નોંધપાત્ર છે કે, પયગંબર મોહમ્મદ વિશે વાંધાજનક કોમેન્ટ્સ કરવા બદલ સમગ્ર દેશમાં અનેક જગ્યાઓએ નૂપુર શર્માની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. 
નોંધપાત્ર છે કે, તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે પણ આ વાંધાજનક કોમેન્ટ્સ કરવા બદલ નૂપુર શર્માની આકરી ઝાટકણી કાઢી હતી અને તેને સમગ્ર દેશની માફી માગવા પણ કહ્યું હતું. આ કોમેન્ટ્સ બદલ દેશભરમાં અનેક જગ્યાઓએ હિંસક દેખાવો થયા છે અને સાથે જ અનેક આરબ દેશોએ એની સામે ભારત સરકાર સમક્ષ નારાજગી પણ વ્યક્ત કરી હતી. 

national news