સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા ૧૦ ઑગસ્ટથી રાષ્ટ્રવ્યાપી અભિયાન

07 August, 2025 07:00 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે વેપારી સભ્યોની સંસદભવનની મુલાકાત દરમ્યાન આ જાહેરાત કરી ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય અને CAITના મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સાથે સંસદભવનમાં CAITના વેપારીઓ અને આગેવાનો.

દેશના વેપારીઓ પૂરી મજબૂતી સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ઊભા છે. તેઓ નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયાના નારાને પૂરેપૂરું સમર્થન આપે છે. આ માટે દેશના વેપારી સંગઠન કૉન્ફડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) તરફથી ૧૦ ઑગસ્ટથી આખા દેશમાં સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવશે. આ અભિયાન ભારતના આર્થિક આત્મસન્માનને મજબૂત બનાવશે અને આત્મનિર્ભર ભારત બનાવવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થશે એવી જાહેરાત ગઈ કાલે દિલ્હીના ચાંદની ચોકના સંસદસભ્ય અને CAITના મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે ગઈ કાલે CAITના વેપારી સભ્યોની સંસદભવનની મુલાકાત દરમ્યાન કરી હતી.

CAIT તરફથી ગઈ કાલે દિલ્હીના સંસદભવનની વિશેષ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં દેશના લગભગ ૧૫૦ વેપારી નેતાઓએ ભાગ લીધો હતો. તેમના માટે સંસદભવનની મુલાકાત એક ઐતિહાસિક ક્ષણ હતી જેનું આયોજન CAITના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. વેપારીઓએ આ સમયે નવા અને જૂના બન્ને સંસદભવનની મુલાકાત લીધી હતી. તેમને સંસદસત્રનો પ્રત્યક્ષ અનુભવ કરવાની તક પણ મળી હતી.

આ બાબતની માહિતી આપતાં CAITના રાષ્ટ્રીય મંત્રી અને અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મુલાકાત દરમ્યાન CAITના વેપારી નેતાઓને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદના પરિસરના મીટિંગકક્ષમાં સંબોધિત કર્યા હતા એ અમારા માટે વધુ આનંદનો વિષય હતો અને અમારી સંસદની મુલાકાતની આ અદ્ભુત અને આકર્ષક પળો હતી.’

ઓમ બિરલાએ તેમની સ્પીચમાં કહ્યું હતું કે ‘CAIT વેપારીઓનું દેશવ્યાપી સંગઠન છે જે દેશના વેપારીઓ માટે કાર્યરત છે. વેપારીઓ અને વ્યવસાય દેશની કરોડરજ્જુ છે. વેપારીઓ માત્ર રોજગારીનું સર્જન જ નથી કરતા, પરંતુ દેશના અર્થતંત્રને આગળ વધારવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.’

ઓમ બિરલાએ વધુમાં કહ્યું હતું કે ‘બદલાતા આર્થિક વાતાવરણને ધ્યાનમાં રાખીને ઉદ્યોગપતિઓએ પોતાના સ્તરને પણ ઊંચું લાવવા માટે જહેમત ઉઠાવવી પડશે. આપણે બધાએ આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરવો જોઈએ.’

ઓમ બિરલાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશને પુનરાવર્તિત કરતાં કહ્યું હતું કે વેપારીઓએ હવે દેશ અને પોતાના હિતમાં સ્વદેશી ઉત્પાદનો વેચવાં અને ખરીદવાં જોઈએ.

એામ બિરલાએ હાજર વેપારીઓને ખાતરી આપી હતી કે જો વેપાર અને વેપારીઓને લગતા મુદ્દાઓ તેમના ધ્યાન પર લાવવામાં આવશે તો તેઓ સંસદમાં ચર્ચા માટે શક્ય એેટલા વેપાર સંબંધિત મુદ્દાઓ લાવવાનો પ્રયાસ કરશે.

indian economy make in india narendra modi om birla bharatiya janata party bhartiya janta party bjp parliament business news Lok Sabha news national news