કેન્દ્રીય મંત્રીમંડળ વિસ્તરણમાં મોટાપાયે ફેરફારો

29 October, 2012 03:12 AM IST  | 

કેન્દ્રીય મંત્રીમંડળ વિસ્તરણમાં મોટાપાયે ફેરફારો


રાજકીય રીતે કોઈ નક્કર પગલાં ન લેતા હોવાના આરોપ વચ્ચે વડા પ્રધાન મનમોહન સિંહે આખરે ગઈ કાલે કૅબિનેટમાં મોટા પાયે ફેરબદલની પ્રક્રિયા પૂરી કરી હતી અને પોતાની નવી ટીમ પર વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે મને ખાતરી છે કે મારી નવી ટીમ ગમે તેવા પડકારને પહોંચી વળશે.

ગઈ કાલે રાષ્ટ્રપતિભવનના અશોક હૉલમાં નવા પ્રધાનોની સોગંદવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું જે માટે સવારે ૧૧ વાગ્યાથી જ રાજકીય રીતે દિગ્ગજ વ્યક્તિઓનું આગમન થરૂ થઈ ગયું હતું અને એના પગલે વાતાવરણમાં ઉત્તેજના છવાઈ ગઈ હતી. આ સમારંભમાં ૨૨ પ્રધાનોએ અલગ-અલગ ભાષામાં શપથ લીધા હતા.

આ શપથગ્રહણ સમારંભ પછી પોતાની લાગણી વ્યક્ત કરતાં મનમોહન સિંહે કહ્યું હતું કે ‘આ નવી કૅબિનેટમાં યુવાનો અને અનુભવીઓનું યોગ્ય કૉમ્બિનેશન છે અને આ વાતને ધ્યાનમાં રાખીને જ ખાતાંઓની ફાળવણી કરવામાં આવી છે. મને ખાતરી છે કે આ ફેરબદલથી શાસન વધારે સારી રીતે આગળ વધી શકશે. મને ખબર છે કે આગળનો રસ્તો સંઘર્ષથી ભરેલો છે, પણ મારી ટીમ બધા પડકારોને સારી રીતે પાર પાડી શકશે. આ કદાચ ૨૦૧૪ના જનરલ ઇલેક્શન પહેલાંનો છેલ્લો ફેરબદલ છે. હું એટલી સ્પષ્ટતા કરી દેવા માગું છું કે વહેલી ચૂંટણીની કોઈ શક્યતા નથી અને ચૂંટણી એના સમયે જ યોજાશે.’

 આ ફેરબદલમાં લગભગ ૧૬ વર્ષ પછી મહત્વની રેલવે મિનિસ્ટ્રી ફરી એક વાર કૉન્ગ્રેસ પાસે આવી છે અને પવનકુમાર બંસલને કૅબિનેટ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે. આ સિવાય આ મંત્રાલયના બન્ને મિનિસ્ટર ઑફ સ્ટેટના પોર્ટફોલિયો પણ કૉન્ગ્રેસને મળ્યાં છે. આ ફેરબદલમાં કૉન્ગ્રેસના પશ્ચિમબંગના સંસદસભ્ય અધીર રંજન ચૌધરીને અને કૉન્ગ્રેસના જ આંધ્ર પ્રદેશના સંસદસભ્ય કોટલા જયા સૂર્યા પ્રકાશ રેડ્ડીને રાજ્યકક્ષાના રેલવેપ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તૃણમૂલ કૉન્ગ્રેસના નેતા મુકુલ રૉયના રેલવેપ્રધાન તરીકેના રાજીનામા બાદ અત્યાર સુધી રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર સી. પી. જોશી વધારાની જવાબદારી તરીકે રેલવે પોર્ટફોલિયો સંભાળી રહ્યા હતા.

નવી કૅબિનેટમાં મનીષ તિવારી અને શશી થરૂર જેવા કૉન્ગ્રેસના નેતાઓની એન્ટ્રીને કારણે સરકારને કદાચ ફાયદો થયો હશે, પણ કૉન્ગ્રેસને આડકતરી રીતે નુકસાન જ થયું છે. હકીકતમાં મનીષ તિવારી 2G કૌભાંડની તપાસ કરી રહેલી જૉઇન્ટ પાર્લમેન્ટરી કમિટીમાં કૉન્ગ્રેસનો પક્ષ સંભાળી રહ્યા હતા અને તેમનો પર્ફોર્મન્સ પ્રમાણમાં ઘણો સારો હતો. જોકે હવે કૅબિનેટમાં સ્થાન મળતાં તેમણે પોતાના આ હોદ્દા પરથી રાજીનામું આપી દેવું પડ્યું છે.

આ છે નવી ટીમ મનમોહનના ચાવીરૂપ સભ્યો

સલમાન ખુરશીદ: એક્સટર્નલ અફેર્સ, જયરામ રમેશ: રૂરલ ડેવલપમેન્ટ, અજય માકન: હાઉસિંગ ઍન્ડ અર્બન ડેવલપમેન્ટ એલિવિયેશન, વીરપ્પા મોઇલી: પેટ્રોલિયમ ઍન્ડ નૅચરલ ગૅસ, જયપાલ રેડ્ડી: સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી ઍન્ડ અર્થ સાયન્સ, કમલનાથ: અર્બન ડેવલપમેન્ટ ઍન્ડ પાર્લમેન્ટરી અફેર્સ, વાયલાર રવિ: ઓવરસીઝ ઇન્ડિયન અફેર્સ, કપિલ સિબલ: આઇટી ઍન્ડ કમ્યુનિકેશન, સી.પી. જોશી: રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેઝ, કુમારી શૈલજા: સોશ્યલ જસ્ટિસ ઍન્ડ એમ્પાવરમેન્ટ, અશ્વિની કુમાર: લૉ ઍન્ડ જસ્ટિસ, હરીશ રાવત: વૉટર રિસોર્સિસ, ચંદ્રેશકુમારી કટોચ: કલ્ચર, પવનકુમાર બંસલ: રેલવેઝ, કે. રહેમાન ખાન: માઇનૉરિટી અફેર્સ, દિનશા પટેલ: માઇન્સ, એમ. એમ. પલ્લમ રાજુ : હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ.

રાજ્યકક્ષાના પ્રધાનો

જિતિન પ્રસાદ: ડિફેન્સ ઍન્ડ એચઆરડી, મનીષ તિવારી: ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ, સચિન પાઇલટ: કૉર્પોરેટ અફેર્સ, જિતેન્દ્ર સિંહ: યુથ અફેર્સ ઍન્ડ સ્ર્પોટ્સ, શશી થરૂર: હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, ચિરંજીવી: ટૂરિઝમ, જ્યોતિરાદિત્ય સિંધિયા: પાવર, તારિક અનવર: ઍગ્રિકલ્ચર ઍન્ડ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી, સૂર્યા પ્રકાશ રેડ્ડી: રેલવેઝ, અધીર રંજન ચૌધરી: રેલવેઝ, આરપીએન સિંહ: હોમ, કે. સી. વેણુગોપાલ: સિવિલ એવિયેશન, રાજીવ શુક્લ: પાર્લમેન્ટરી અફેર્સ ઍન્ડ પ્લાનિંગ, કે. એચ. મુનીઅપ્પા: માઇક્રો, સ્મૉલ ઍન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝિસ, રાની નારહ: ટ્રાઇબલ અફેર્સ, ભરતસિંહ સોલંકી: ડ્રિન્કિંગ વૉટર ઍન્ડ સેનિટેશન, કોડિકુન્નિલ સુરેશ: લેબર ઍન્ડ એમ્પ્લૉયમેન્ટ, એ. એચ. ખાન ચૌધરી: હેલ્થ ઍન્ડ ફૅમિલી વેલ્ફેર, સર્વે સત્યનારાયણ: રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેઝ, નિનોન્ગ એરિંગ: માઇનૉરિટી અફેર્સ, દીપા દાસમુનશી: અર્બન ડેવલપમેન્ટ, પોરિકા બલરામ નાઈક: સોશ્યલ જસ્ટિસ ઍન્ડ એમ્પાવરમેન્ટ, કિલ્લી કૃપારાની: આઇટી ઍન્ડ કમ્યુનિકેશન, લાલચંદ કટારિયા: ડિફેન્સ, ઈ. અહમદ: એક્સટર્નલ અફેર્સ, ડી. પુરંદેશ્વરી : કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી, એસ. જગતરક્ષકન : ન્યુ ઍન્ડ રીન્યુએબલ એનર્જી.

કૅબિનેટના ફેરબદલમાં ભ્રષ્ટાચારીઓને મળ્યું છે ઇનામ : કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ ચળવળકારમાંથી રાજકારણી બનેલા અરવિંદ કેજરીવાલે કૅબિનેટમાં થયેલા ફેરબદલ વિશે પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘આ ફેરબદલમાં સરકાર ખુલ્લી પડી ગઈ છે, કારણ કે એમાં ભ્રષ્ટાચારીઓને માત્ર છાવરવામાં જ નથી આવ્યા, તેમને ઇનામ પણ આપવામાં આવ્યું છે. આ એક મ્યુઝિકલ ચૅર જેવી રમત છે જેમાં દેશને કોઈ ફાયદો નથી થવાનો. પહેલાં સલમાન ખુરશીદ કાયદાપ્રધાન હતા અને હવે તેમને વિદેશપ્રધાન બનાવવામાં આવ્યા છે. જે માણસ કાયદાપ્રધાન તરીકે નિષ્ફળ સાબિત થયો હતો તેનું કામ એટલું સારું હતું કે તેને સીધો જ વિદેશપ્રધાન બનાવી દેવામાં આવ્યો? જ્યાં સુધી કૅબિનેટમાં સમાવાયેલા નવા યુવાન ચહેરાઓનો સવાલ છે ત્યાં સુધી તેમણે હજી દેશ માટે કંઈ ખાસ નક્કર કરીને નથી બતાવ્યું.’

નવી કૅબિનેટમાં મહારાષ્ટ્રના કોઈ સંસદસભ્યને સ્થાન નહીં


કૅબિનેટમાં ગઈ કાલે ફેરબદલ કરીને નવા ૧૭ ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પણ એમાં મહારાષ્ટ્રના કૉન્ગ્રેસના કોઈ સંસદસભ્યને સ્થાન નથી મળ્યું. હકીકતમાં ગુરુદાસ કામત અને વિલાસ મુત્તેમવાર જેવા સિનિયર કૉન્ગ્રેસના નેતાઓના નામનો કૅબિનેટમાં સમાવેશ થવાની સંભાવના હતી પણ એવું થયું નથી. મહારાષ્ટ્રમાંથી માત્ર રાજ્યસભામાં સભ્ય એવા નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના નેતા તારિક અનવરને ઍગ્રિકલ્ચર ઍન્ડ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીના રાજ્યકક્ષાના પ્રધાન નીમવામાં આવ્યા છે.