સુપ્રિમ કોર્ટે CAA પર પ્રતિબંધ મુકવાની મનાઇ ફરમાવી

22 January, 2020 03:16 PM IST  |  Delhi | Mumbai Desk

સુપ્રિમ કોર્ટે CAA પર પ્રતિબંધ મુકવાની મનાઇ ફરમાવી

સુપ્રિમ કોર્ટ

CAA – નાગરિકતા સંશોધન કાયદા અંગે સુપ્રિમ કોર્ટમાં 144 અરજીઓ કરાઇ હતી જેની સુનાવણી બુધવારે કરાઇ. ચીફ જસ્ટિસ એસ એ બોબડે, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે સુનવણી દરમિયાન કહ્યું કે આ મામલે કેન્દ્ર સરકારનો પક્ષ સાંભળ્વા વિના કાયદા પર પ્રતિબંધ લાગુ નહીં કરાય.

વરિષ્ઠા એડવોકેટ કપિલ સિબ્બલે બેન્ચને નાગરિક સંશોધન કાયદાની તથા એનપીઆર-નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર પરની કામગીરીને હાલ પુરતી રોકવા અપીલ કરી છે. જોકે સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારની વાત સાંભળ્યા વિના આ અંગે કોઇપણ પગલું લેવાની સાફ ના કહી છે. CAA હેઠળ ભારતમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, ખ્રિસ્તી, જૈન અને પારસીઓને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્ય સભામાં ખરડો પસાર થયા પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ બિલને મંજૂરી આપી અને પછી કાયદો બનાવવામાં આવ્યો. આખા દેશમાં આ અંગે ભારે વિરોધ-પ્રદર્શન કરાઇ રહ્યા છે.

ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લિગે આપેલી અરજીમાં સ્પષ્ટ કર્યું છે કે CAAને કારણે સમાનતાનાં પ્રાથમિક અધિકારનો જ ભંગ થાય છે અને આ કાયદો અમુક ચોક્કસ વર્ગનાં લોકોને ભારતનાં ગેરકાયદેસર નાગરિક સાબિત કરશે અને આમ થવામાં અમુક ધર્મનાં લોકોને નાગરિકત્વમાંથી બાકાત કરાશે. આ કાયદો ભેદભાવ વાળો છે અને માટે તેની પર પુનઃવિચારણા થવી જ જોઇએ તેવી માગણી સુપ્રિમ કોર્ટમાં કરેલી અરજીઓમાં કરાઇ હતી. 

કોંગ્રેસ નેતા જયરામ રમેશે  પોતાની અરજીમાં કહ્યું છે કે આ કાયદો બંધારણીય અધિકારો પર પ્રહાર છે અને અસમાન વહેવારને પ્રોત્સાહિત કરે છે. ભારતમાં નાગરિકતા આપવા કે ન આપવા માટે આધાર હોવો જોઇએ ખરો તેવો સવાલ પણ તેમની અરજીમાં કરાયો છે.  144 અરજીઓમાં કેરળનાં મુખ્ય મંત્રી,  જમિયત ઉલામા-ઇ-હિન્દ, ઓલ આસામ સ્ટૂડન્ટ યુનિયન, પીસ પાર્ટી, સીપીઆઇ ઉપરાંત રિહાઇ મંચ, સિટીઝન્સ અગેઇન્સ્ટ હેઇટ, એમ એલ શર્મા એડવોકેકટ અને કાયદાનાં વિદ્યાર્થીઓ વગેરેની અરજીનો સમાવેશ થાય છે.  સુપ્રિમ કોર્ટે કેન્દ્ર પાસે ચાર અઠવાડિયામાં આ અરજીઓ અંગે જવાબ માગ્યો છે.

 

caa 2019 supreme court citizenship amendment act 2019 cab 2019 national news