૨૦૨૭ સુધીમાં અડધોઅડધ આઇફોન ઇન્ડિયામાં બનશે

19 January, 2023 11:39 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઍપલ ચીન પરની પોતાની નિર્ભરતા ઘટાડવાની સતત કોશિશ કરી રહ્યું છે

પ્રતિકાત્મક તસવીર સૌજન્ય આઇ-સ્ટૉક

નવી દિલ્હીઃ ચીનમાં કોરોનાની મહામારીને કારણે ફેલાયેલી અંધાધૂંધી અને અવિશ્વાસવાળા માહોલને કારણે ભારતને લાભ થઈ શકે છે. ચીન આઇફોનનું સૌથી મોટું મૅન્યુફૅક્ચરર છે. જોકે આ સ્ટેટસ ઝડપથી બદલાઈ શકે છે. એક લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ૨૦૨૭ સુધીમાં દુનિયાભરમાં વેચવામાં આવનારા અડધાઅડધ આઇફોન ઇન્ડિયામાં બનશે.

ચીનના સપ્લાયર્સ અત્યારે ફીલ કરી રહ્યા છે કે ઍપલ એમના માર્કેટ પર નિર્ભરતા ઓછી કરવાની કોશિશ કરી રહ્યું છે. જેનો ફાયદો ભારત અને વિયેટનામને મળી શકે છે. તાજેતરમાં ચીનમાં કોરોનાની મહામારીની અસરો જોવા મળી હતી. જેની ચીનમાં દુનિયાના સૌથી વિશાળ આઇફોન ઍસેમ્બલી પ્લાન્ટની કામગીરી પર પણ થઈ હતી. દર અઠવાડિયે એને લીધે કંપનીને અબજો ડૉલરનું નુકસાન થયું હતું. જોકે ઍપલ છેલ્લાં અનેક વર્ષથી ચીન પરની પોતાની નિર્ભરતા ઘટાડવાની કોશિશ કરી રહ્યું છે.

આ પણ વાંચો :  ગૂગલ અને ઍપલને ટક્કર આપશે ભારત સરકાર

આ કંપની ચીન અને ભારત બન્ને જગ્યાએ આઇફોન 14નું પ્રોડક્શન એકસાથે શરૂ કરવા ઇચ્છતી હતી, પરંતુ એમ ન થઈ શક્યું. જોકે ભવિષ્યમાં એમ બની શકે છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં અત્યારે ૨.૨૭ ટકા જ ઍપલ સપ્લાયર ફૅસિલિટી છે. ભારત આઇફોન પ્રોડક્શનના મામલે દુનિયામાં આઠમા સ્થાને છે. ભારત કરતાં અમેરિકા, ચીન, જપાન, જર્મની, યુકે, તાઇવાન, ફ્રાન્સ અને સાઉથ કોરિયામાં વધુ પ્રોડક્શન થાય છે.

જોકે આ સ્થિતિ બદલાઈ શકે છે. સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટ અનુસાર ૨૦૨૭ સુધીમાં દુનિયાનો દર બીજો ફોન મેઇડ ઇન ઇન્ડિયા હશે. જેપી મૉર્ગને આ પહેલાં અંદાજ લગાવ્યો હતો કે ૨૦૨૫ સુધીમાં દુનિયાના ૨૫ ટકા આઇફોન ભારતમાં બનશે. વિયેટનામમાં આ કંપની મેકબુક અને ઍરપોડ્ઝનું પ્રોડક્શન વધારી રહી છે. 

national news apple china iphone new delhi make in india