ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓ તૃણમૂલ કૉન્ગ્રેસના નેતાના ઘરમાં બૉમ્બ બનાવતા હતા?

06 October, 2014 05:43 AM IST  | 

ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓ તૃણમૂલ કૉન્ગ્રેસના નેતાના ઘરમાં બૉમ્બ બનાવતા હતા?




પશ્ચિમ બંગમાં વર્ધમાન જિલ્લામાં ગુરુવારે તૃણમૂલ કૉન્ગ્રેસની ઑફિસમાં થયેલા વિસ્ફોટના કેસમાં પશ્ચિમ બંગ પોલીસે બે મહિલાઓની ધરપકડ કરી હતી જ્યારે ગઈ કાલે એક યુવાન હાતીજ મોલ્લાને તાબામાં લીધો હતો. પકડાયેલી રાજીરા બીબીનો પતિ શકીલ અહમદ આ ધડાકામાં માર્યો ગયો હતો અને એ શંકાસ્પદ આતંકવાદી હોવાનું માનવામાં આવે છે. પકડાયેલી બીજી મહિલા અમીના બીબી અને રાજીરાને ગઈ કાલે ર્કોટે નવ દિવસની રિમાન્ડ પર મોકલી દીધાં હતાં.

બીજી ઑક્ટોબરે થયેલો એ ધડાકો ગૅસ-સિલિન્ડર વિસ્ફોટના કારણે નહીં પણ બૉમ્બ બનાવતી વખતે થયો હોવાની આશંકા છે. તૃણમૂલ કૉન્ગ્રેસના નેતાની ઑફિસ અને ઘર એકસાથે છે અને એમાં ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓ બૉમ્બ બનાવતા હતા ત્યારે આ ધડાકો થયો હતો જેમાં બે જણનાં મોત થયાં હતાં, જ્યારે એક જખમી થયો હતો.

મહિલાઓએ અટકાવ્યા

આ ધડાકો થયા બાદ જ્યારે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પોલીસ એ જોઈને હેરાન થઈ ગઈ હતી કે બે મહિલાઓ દરવાજા પર રિવૉલ્વર લઈને ઊભી હતી.

દસ્તાવેજ બાળી નાખ્યા

આ ઘટના વિશે સ્થાનિક લોકોએ કહ્યું હતું કે એક કલાક સુધી આ મહિલાઓએ તેમને રોકી રાખ્યા હતા અને તેમણે અંદર દસ્તાવેજો બાળ્યા હતા. પોલીસને ઘટનાસ્થળેથી જે અડધા બળેલા દસ્તાવેજ મળ્યા હતા એ આતંકવાદી સંગઠન અલ-કાયદાના પ્રેસિડન્ટ અયમાન અલ-ઝવાહિરી અને ઇન્ડિયન મુજાહિદ્દીનને લગતા હતા. ઘટનાસ્થળેથી પોલીસને પંચાવન ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED), પંચાવન હૅન્ડ-ગ્રેનેડ, ઘડિયાળો અને સિમ-કાર્ડ મળ્યાં હતાં.

તપાસમાં મદદ નહીં

ફૉરેન્સિક ટીમે એ રેતીનાં સેમ્પલો પણ લીધાં છે અને IED એકદમ તૈયાર હોવાની જાણકારી મળી છે. એમ માનવામાં આવે છે કે આતંકવાદીઓ નજીકના ભવિષ્યમાં કોઈ આતંકવાદી ઘટનાને અંજામ આપવાના હતા.

નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી નહોતી. એજન્સીનાં સૂત્રોએ કહ્યું હતું કે ‘સ્થાનિક પોલીસ અમને તપાસમાં સહયોગ કરતી નથી.’

ભાડાનું મકાન

આ ધડાકો જ્યાં થયો એ ઘર પહેલા માળે છે અને નીચે તૃણમૂલ કૉન્ગ્રેસના નેતાનું ઘર અને ઑફિસ છે. ઘરના માલિક હસન ચૌધરીને પણ પોલીસે પૂછપરછ માટે તાબામાં લીધો હતો. થોડા મહિના પહેલાં આ ઘર ભાડે આપવામાં આવ્યું હતું.

જેહાદીઓનું સ્વર્ગ : BJP

આ ઘટના બાદ તૃણમૂલ કૉન્ગ્રેસ બૅક-ફૂટ પર છે કારણ કે જ્યાં ધડાકો થયો એ તેમની ઑફિસ છે. BJPએ એવો આરોપ મૂક્યો હતો કે મમતા બૅનરજીની આગેવાની હેઠળ રાજ્ય જેહાદીઓનું સ્વર્ગ બની ગયું છે.