આસામમાં પોલીસ સ્ટેશન પર હુમલાના આરોપીઓનાં ઘરો પર બુલડોઝર ફરી વળ્યું

23 May, 2022 09:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આસામના નાગાંવ જિલ્લામાં કસ્ટડીમાં એક કથિત મૃત્યુના કેસને લઈને એક પોલીસ સ્ટેશનને ટોળાએ આગ લગાવ્યાને એક દિવસ બાદ ગઈ કાલે આ હિંસામાં સંડોવાયેલા ઓછામાં ઓછા ત્રણ જણ‌‌નાં મકાનો બુલડોઝર્સથી તોડી પાડવામાં આવ્યાં હતાં.

નાગાંવ જિલ્લામાં હિંસા બાદ ગઈ કાલે જિલ્લા વહીવટી તંત્રની ડિમોલિશનની કામગીરીમાં જોતરાયેલું બુલડોઝર. પી.ટી.આઇ.

ગૌહાટી : આસામના નાગાંવ જિલ્લામાં કસ્ટડીમાં એક કથિત મૃત્યુના કેસને લઈને એક પોલીસ સ્ટેશનને ટોળાએ આગ લગાવ્યાને એક દિવસ બાદ ગઈ કાલે આ હિંસામાં સંડોવાયેલા ઓછામાં ઓછા ત્રણ જણ‌‌નાં મકાનો બુલડોઝર્સથી તોડી પાડવામાં આવ્યાં હતાં. જોકે એક સિનિયર પોલીસ ઑફિસરે જણાવ્યું હતું કે આ ઝૂંપડાંઓનું દબાણ હટાવવાની ઝુંબેશના ભાગરૂપે ડિમોલિશન કરવામાં આવ્યું હતું.  
વાસ્તવમાં આ ડિમોલિશન અને દબાણ હટાવવાની ઝુંબેશની વહીવટી તંત્રની દલીલો વાસ્તવમાં એક ચોક્કસ પૅટર્નને અનુસરે છે. બીજેપીશાસિત અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક સમયથી આ પૅટર્ન જોવા મળી રહી છે. જેમ કે દિલ્હીના જહાંગીરપુરીમાં કોમી રમખાણો તેમ જ મધ્ય પ્રદેશના ખરગોનમાં પણ તોફાનના પગલે આરોપીઓનાં મકાનો તોડી પાડવામાં આવ્યાં હતાં. 
આસામમાં શનિવારની હિંસાના સંબંધમાં કુલ ૨૧ જણને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, જેમાં ત્રણ પોલીસને ઈજા થઈ હતી. 
પોલીસ ચીફ ભાસ્કર જ્યોતિ મહંતાએ ગઈ કાલે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન પર હુમલો એ અૅક્શન-રિઅૅક્શનની ઘટના નથી, પરંતુ કેસ રેકૉર્ડ્ઝનો નાશ કરવા માટે અપરાધીઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. 

national news assam