બજેટ ૨૦૨૨ : આ વખતે હલવા સેરેમની નહીં, મીઠાઈ વહેંચાઈ

29 January, 2022 09:32 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા પહેલી ફેબ્રુઆરીએ પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે

ફાઇલ તસવીર

કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને પહેલી વખત આ વર્ષે કેન્દ્રીય બજેટ પહેલાં પરંપરાગત હલવા સેરેમનીને પડતી મૂકવામાં આવી હતી. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા પહેલી ફેબ્રુઆરીએ પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે. 
કેન્દ્ર સરકાર દ્વારા ઇશ્યુ કરવામાં આવેલા એક સ્ટેટમેન્ટમાં જણાવાયું હતું કે ‘કેન્દ્રીય બજેટ તૈયાર કરવાની પ્રક્રિયાના છેલ્લા તબક્કાના પ્રતીક તરીકે કૉર કર્મચારીઓને તેમના કામના સ્થળે ‘લૉક-ઇન’ પહેલાં મીઠાઈ વહેંચવામાં આવી હતી. દર વર્ષે આ સમયે હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવે છે, પરંતુ અત્યારની મહામારીની સ્થિતિ અને આરોગ્ય સુરક્ષા માટેના પ્રોટોકોલ્સનું પાલન કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એમ કરવામાં આવ્યું હતું.’
નાણાં મંત્રાલય દ્વારા દર વર્ષે નોર્થ બ્લૉક બેઝમેન્ટમાં પોતાના મુખ્યાલય ખાતે આયોજિત ‘હલવા સેરેમની’ અધિકારીઓ માટે ‘લૉક-ઇન’ સમયગાળાની શરૂઆતનું પ્રતીક છે. નાણાપ્રધાન કલીગ્ઝને હલવો પીરસે છે. આ હલવો પછી બજેટ પર કામ કરનારા દરેક જણને વહેંચાય છે. બજેટની વિગતો લીક ન થાય એના માટે એની સાથે સંકળાયેલા અધિકારીઓ માટે ‘લૉક-ઇન’ સમયગાળો હોય છે. આ અધિકારીઓ બજેટ રજૂ કરાયા બાદ જ પોતાના પરિવારજનોનો સંપર્ક કરી શકશે.

national news finance ministry