Budget 2019: જાણો બજેટ સાથે જોડાયેલા આ શબ્દોનો અર્થ

01 February, 2019 08:12 AM IST  | 

Budget 2019: જાણો બજેટ સાથે જોડાયેલા આ શબ્દોનો અર્થ

બજેટનું નામ પડે એટલે કેટલાક શબ્દો એવા છે કે જેનો જરૂર ઉલ્લેખ થાય છે. જેવા કે આર્થિક સર્વેક્ષણ, વચગાળાનું બજેટ, કોર્પોરેટ ટેક્સ, લેખાનુદાન બજેટ. અમે તમને આવા જ શબ્દોની વિસ્તૃત જાણકારી આપીશું.

આર્થિક સર્વેક્ષણ

આર્થિક સર્વેક્ષણ નાણામંત્રાલય તરફથી રજૂ કરવામાં આવનારો આધિકારીક આર્થિક અહેવાલ હોય છે, જેમાં જણાવવામાં આવે છે કે આખા વર્ષ દરમિયાન દેશના વિકાસની સ્થિતિ કેવી રહી. સામાન્ય બજેટ પહેલા નાણા મંત્રી આર્થિક સર્વેક્ષણ રજૂ કરે છે. આ રીપોર્ટમાં સરાકરની મહત્વની યોજનાઓની સમીક્ષાની સાથે સાથે નીતિગત બાબતોનો ઉલ્લેખ હોય છે. દેશનું પહેલું આર્થિક સર્વેક્ષણ 1950-51માં રજૂ કરવામાં આવ્યું હતું. મુખ્ય આર્થિક સલાહકાર અને તેમની ટીમ આ રીપોર્ટ તૈયાર કરે છે.

વચગાળાનું કે લેખાનુદાન બજેટ

લોકતાંત્રિક દેશોમાં ચૂંટણીના વર્ષ દરમિયાન સરકાર પૂર્ણ બજેટ નહીં પણ વચગાળાનું બજેટ રજૂ કરે છે. અસલમાં આ બજેટ ચૂંટણીના વર્ષમાં નવી સરકાર ન બને ત્યાં સુધીના ખર્ચની વ્યવસ્થા કરવાની ઔપચારિકતા હોય છે. આ બજેટમાં કોઈ પણ એવો નિર્ણય નથી લેવામાં આવતો જે નીતિગત હોય અને તેને પુરો કરવા માટે સંસદની મંજૂરી લેવી પડે અથવા તો કાયદામાં ફેરફાર કરવો પડે. આ બજેટમાં ડાયરેક્ટ ટેક્સમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવતો. જો કે સરકાર ઈમ્પોર્ટ, એક્સાઈઝ કે સર્વિસ ટેક્સમાં રાહત આપી શકે છે.

સામાન્ય બજેટ આખા વર્ષ માટે રજૂ કરવામાં આવે છે જ્યારે પૂર્ણ બજેટ માત્ર કેટલાક મહિનાઓ માટે. મહત્વનું છે કે વચગાળાના બજેટના કેટલાક મહિનાઓ બાદ જ્યારે નવી સરકાર બને ત્યારે પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવે છે.

કોર્પોરેટ ટેક્સ

કંપનીઓને થતા નફા પર લેવાતો ટેક્સ કોર્પોરેટ ટેક્સ કહેવાય છે. ગયા વર્ષે બજેટમાં નાણા મંત્રી અરૂણ જેટલીએ કોર્પોરેટ ટેક્સ ઓછો કરીને વેપારીઓને રાહત આપી હતી.

રાજકોષીય ખાધ

સરકારની કુલ રાજસ્વ આવક અને ખર્ચ વચ્ચેના અંતરને રાજકોષીય ખાધ કહેવામાં આવે છે. જેનાથી ખબર પડે છે સરકારને પોતાની યોજનાઓ પૂર્ણ કરવા માટે કેટલી વધારાની રકમની જરૂર પડશે, જે ઉધાર લેવું પડશે. જો કે રાજસ્વની ગણના કરતી વખતે ઋણની રકમ નથી ગણવામાં આવતી. વર્તમાન નાણાકીય વર્ષમાં સરકારે કુલ GDPના મુકાબલે 3.3 ટકાની રાજકોષીય ખાધનું લક્ષ્ય રાખ્યું છે.

કસ્ટમ ડ્યૂટી

કસ્ટમ ડ્યૂટી કોઈ પણ દેશમાંથી થતી નિકાસ કે આયાત થતી વસ્તુઓ પર લગાવવામાં આવતો કેન્દ્રીય ટેક્સ છે. સરકારની રાજસ્વ આવકમાં આ કરનો મોટો ફાળો હોય છે. ક્યારેક વિદેશી સ્પર્ધાથી બચવા માટે ઘરેલૂ કંપનીઓને બચાવવા માટે આયાત થતી વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી લગાવવામાં આવે છે, અથવા તો તેમાં વધારો કરવામાં આવે છે.

મંદી

કોઈ પણ અર્થવ્યવસ્થામાં મંદીનો મતલબ એવી સ્થિતિ છે, જ્યારે સેવા કે વસ્તુની માંગ તેના ઉત્પાદનથી ઓછી થઈ જાય છે. અર્થવ્યવસ્થામાં જ્યારે એવી સ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યારે લોકોની ખરીદ ક્ષમતા ઓછી થઈ જાય છે અને સામાન ન વેચાતા ઉદ્યોગ ધંધા બંધ થઈ છે, જેના કારણે બેરોજગારી વધે છે.

આ પણ વાંચોઃ બજેટ 2019: કેમ બજેટ સાથે જોડાયેલા અધિકારીઓને મળે છે કેદ?

સેસ

સેસને ઉપકર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કોઈ પણ મુખ્ય કરની ઉપર લાગતો કર હોય છે. આ કર કરદાતાઓની આવક પર ન લગાવતા તેની કરપાત્ર આવક પર જ લાગે છે. સરળ શબ્દોમાં તેને કર પર લાગતો કર કહે છે.

national news Budget 2019 piyush goyal