Budget 2019: કેવા રહ્યા બજેટ પર પ્રતિભાવ, જાણો કોણે શું કહ્યું?

01 February, 2019 04:27 PM IST  | 

Budget 2019: કેવા રહ્યા બજેટ પર પ્રતિભાવ, જાણો કોણે શું કહ્યું?

કેવું રહ્યું બજેટ, જાણો પ્રતિભાવ

રાહુલ ગાંધી, અધ્યક્ષ, કોંગ્રેસ
'પ્રિય નમો, તમારી અક્ષમતા અને અહંકારના પાંચ વર્ષોએ ખેડૂતોના જીવનને નષ્ટ કરી દીધું છે. એક દિવસનાં 17 રૂપિયા તેમને આપવાનો તમારો નિર્ણય એ તમામ કામોનું અપમાન છે જેના માટે તેમને આ પૈસા આપવામાં આવી રહ્યા છે. આ છેલ્લું જુમલાઓનું બજેટ છે'.

મમતા બેનર્જી, મુખ્યમંત્રી, પશ્ચિમ બંગાળ

'આ સરકાર પાસે કોઈ જ અધિકાર કે જવાબદારી નથી કે તેઓ પાંચ વર્ષ માટે બજેટ રજૂ કરે જ્યારે તેઓ સત્તામાં આવશે કે નહીં તે નક્કી જ ન હોય. આ સરકારની એક્સપાયરી ડેટ છે. અને તો તમે કોઈને એક્સપાયરી ડેટ વાળી દવાઓ આપો તો શું થાય? તેની કિંમત શું રહે?તેની કોઈ જ કિંમત નહીં રહે'.

કુમારસ્વામી, મુખ્યમંત્રી, કર્ણાટક

'મારે પુછવું છે કે આ બજેટ નાણામંત્રાલયના અધિકારીઓએ તૈયાર કર્યું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે? નરેન્દ્ર મોદીએ ખેડૂતોને લોલીપોપ આપી છે. જ્યારે મેં ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત કરી ત્યારે વડાપ્રધાને તેને લોલીપોપ ગણાવી હતી. આ બજેટ ભાજપના મિત્રોએ મળીને તૈયાર કર્યું છે'.

અરુણ જેટલી, નાણામંત્રી
'એક ઉત્તમ બજેટ રજૂ કરવા માટે હું પીયૂષ ગોયલને શુભેચ્છા આપું છું. બજેટમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વ વાળી સરકારના એજંડાને અર્થવ્યવસ્થાના પડકારોનું વ્યાપક રીતે સમાધાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે'.

સુમિત્રા મહાજન, અધ્યક્ષ , લોકસભા

'આ બજેટ સારું છે અને તમામ લોકો માટે છે. કામ આ રીતે થવું જોઈએ'.

ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય મંત્રી

'વિરોધ પક્ષ પાસે વિરોધ કરવા માટે કાંઈ છે જ નહીં, મોદીજીની કલ્યાણકારી યોજનાઓથી તેઓ ડરી ગયા છે. અમે વોટબેંકની રાજનીતિ નથી કરતા. અમે ભારતના ખેડૂતોને નવી ઉંચાઈએ લઈ જવા માંગીએ છે'.

પી. ચિદંબરમ, પૂર્વ નાણામંત્રી

'આ બજેટ વોટ ઓન અકાઉંટ નહીં પણ અકાઉંટ ફોર વોટ છે. વચગાળાના નાણામંત્રીએ સૌથી વચગાળાના બજેટ પર સૌથી લાંબું ભાષણ આપીને અમારા ધૈર્યની કસોટી કરી. આ વચગાળાનું બજેટ નહોતું, ચૂંટણીને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવેલું પૂર્ણ બજેટ હતું'.

રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી
'આ એક ઐતિહાસિક બજેટ છે. સમાજના દરેક વર્ગને તેનો લાભ મળશે'.

અમિત શાહ, ભાજપ અધ્યક્ષ
'આજે બજેટે એ ફરી સાબિત કર્યું છે કે મોદી સરકાર દેશના ગરીબ, ખેડૂતો, યુવાનોના સપના અને આકાંક્ષાઓને સમર્પિત સરકાર છે. આ સર્વગ્રાહી બજેટ માટે હું વડાપ્રધાન અને તેમની પૂરી સરકારને અભિનંદન આપું છું'.

શશિ થરૂર, નેતા, કોંગ્રેસ
'આખા બજેટમાં એક સારી વસ્તુ હતી કે મધ્યમવર્ગને ટેક્સમાં રાહત આપવામાં આવી. પરંતુ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી, એટલે કે મહિનાના 500 રૂપિયા. શું 500 રૂપિયામાં ખેડૂતો સારી રીતે જીવી શકશે?'

યોગી આદિત્યનાથ, મુખ્યમંત્રી, ઉત્તરપ્રદેશ
 'બજેટમાં સમાજના દરેક વર્ગનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. ખેડૂતો, મધ્યમવર્ગ, ગરીબો અને મહિલાઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ બજેટ ન્યૂ ઈંડિયાનું સપનું હાંસલ કરવામાં મદદ કરશે'.

રાધા મોહન સિંહ, કેન્દ્રીય મંત્રી
'અમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટેની ગાઈડલાઈન પણ જાહેર કરી દીધી છે. 2018-19માં ખેડૂતોના ખાતામાં 2, 000 રૂપિયા જમા થઈ ગયા છે. 2019-20માં ખેડૂતોને 6,000 રૂપિયા મળશે'.

સંજય ઝા, નેતા, કોંગ્રેસ
'જે નાગરિકોની આવક 8 લાખ સુધીની છે તેમના આર્થિક રીતે પછાત જાહેર કરવામાં આવ્યા. પરંતુ ટેક્સમાં છૂટ માત્ર 5 લાખ વાર્ષિક આવક હોય તેમને જ આપવામાં આવી. વાહ પીયૂષ ગોયલ. તમે આટલા તર્કહીન કેમ હોઈ શકો છો'.

વિજય રૂપાણી, મુખ્યમંત્રી, ગુજરાત
'આ બજેટ તમામ વર્ગને આવરી લેતુ બજેટ છે. જેના કારણે ખેડૂતોને 6 હજારની રાહત મળશે. સરકારે ખેડૂતોને મોટો ટેકો આપ્યો છે. ગુજરાતના 36 લાખ ખેડૂતોને લાભ થશે સાથે પશુપાલકોને 2 ટકા લોનમાં રાહત મળશે.

Budget 2019