નારાજ ખેડૂત વર્ગ અને ઉદાસ મધ્યમ વર્ગને રાજી કરવાનાં બજેટમાં પગલાં

02 February, 2019 07:57 AM IST  |  | દિલીપ વી. લખાણી (ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ)

નારાજ ખેડૂત વર્ગ અને ઉદાસ મધ્યમ વર્ગને રાજી કરવાનાં બજેટમાં પગલાં

બજેટ 2019

બજેટ વિશેષ

મોદી સરકારની પૉપ્યુલરિટી ઘટી રહી છે એવું લોકોનું માનવું છે. ખેડૂતો તથા મિડલ ક્લાસ વર્ગને છેલ્લાં ચાર વર્ષમાં ખાસ ફાયદો થયો નથી. આવા સંજોગોને ધ્યાનમાં લઈને નાણાપ્રધાને નાના ખેડૂતોને વાર્ષિક ૬૦૦૦ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરી ચાલુ વર્ષે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનો અને આવતા વર્ષે ૭૫,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે એવું કહ્યું છે. આવકવેરા ધારા હેઠળ ૫,૦૦,૦૦૦ રૂપિયા સુધી કર લાગશે નહીં, જેમાં ૧૮,૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન સરકારને થશે. જોકે નાણાપ્રધાને હોશિયારીથી કલમ ૭૦માં સુધારો કર્યો છે. જેની આવક ૫,૦૦,૦૦૦ રૂપિયાથી વધુ હોય તેમને કોઈ ફાયદો થશે નહીં.

બિલ્ડરલૉબીને પણ નાણાપ્રધાને બે ફાયદા કરી આપ્યા છે. અફૉર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ શરૂ કરવા માટેની સમયમર્યાદા ત્રીજી માર્ચ ૨૦૧૯ હતી એ વધારીને ત્રીજી માર્ચ ૨૦૨૦ કરવામાં આવી છે. બિલ્ડરો પાસે જો ન વેચાયેલો માલ હોય તો પ્રોજેક્ટ પૂરા થયા પછીના એક વર્ષ પછી ન વેચાયેલા ફ્લૅટો પર આવકવેરો ભરવો પડે. આ સમયમર્યાદા એક વર્ષથી વધારીને બે વર્ષની કરવામાં આવી છે.

કોઈ પણ આસામી પાસે એકથી વધુ ઘર હોય તો એક ઘર સેલ્ફ-ઑક્યુપાઇડ ગણાય અને બીજું ઘર ભાડા પર આપ્યું છે એમ ગણવામાં આવે અને આવકવેરો ભરવો પડે. હવે એ ઘર પર કોઈ વેરો ભરવો નહીં પડે.

પગારદાર આસામીને સ્ટાન્ડર્ડ ડિડક્શન ૪૦,૦૦૦ રૂપિયા હતું એ વધારીને ૫૦,૦૦૦ રૂપિયા કરી આપ્યું છે, પરંતુ જેમની આવક ૫,૦૦,૦૦૦ રૂપિયા સુધી છે તેમને કોઈ ફાયદો થશે નહીં. એક ઘર વેચીને કૅપિટલ ગેઇન બે કરોડ રૂપિયા સુધી થયો હોય તો હવે આસામી બે ઘર લઈ શકશે અને કૅપિટલ ગેઇન ટૅક્સ ભરવાની જવાબદારી નહીં આવે. આજ સુધી ફક્ત એક જ ઘરમાં રોકાણ થઈ શકતું હતું.

આ પણ વાંચો: વચગાળાનું બજેટ માત્ર ટ્રેઈલરઃ વડાપ્રધાન મોદી

આવકજાવકનો હિસાબ જોતાં એમ લાગે છે કે નાણાપ્રધાને નાણાં ઊભાં કરવા માટે રિઝર્વ બેંક પાસેથી ડિવિડન્ડ પેટે વધુ મદાર રાખ્યો હોવાનું પ્રતીત થાય છે. આ ઉપરાંત જાહેર સાહસોના શૅરોના વેચાણમાંથી ઊંચી રકમ આવશે એવી ગણતરી પણ છે. સરકાર ફિસ્કલ ડેફિસિટ નહીં વધારે એમ પણ જણાવ્યું છે.

Budget 2019 national news