મધ્યમ વર્ગને રાહત શ્રીમંતો પર નવો બોજ

02 February, 2017 07:21 AM IST  | 

મધ્યમ વર્ગને રાહત શ્રીમંતો પર નવો બોજ



નાણાપ્રધાન અરુણ જેટલીએ ૨૦૧૭-’૧૮ના કેન્દ્રીય બજેટમાં વ્યક્તિગત કરવેરામાં મોટી રાહત આપી છે. તેમણે અઢી લાખથી પાંચ લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકો માટેનો કરવેરાનો દર ૧૦ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દીધો છે.

જોકે પાંચ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોને આવકવેરા ધારાની કલમ ૮૭A હેઠળ આપવામાં આવતું રિબેટ હાલના ૫૦૦૦ રૂપિયા છે એને ઘટાડીને ૨૫૦૦ રૂપિયા કરવામાં આવ્યું છે અને એ હવે પાંચ લાખ રૂપિયા નહીં પરંતુ સાડાત્રણ લાખ રૂપિયા સુધીની આવકને લાગુ પડશે.

ઉક્ત બન્ને જોગવાઈઓને પગલે ત્રણ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોએ કોઈ કરવેરો ભરવો નહીં પડે અને ત્રણથી સાડાત્રણ લાખ રૂપિયા સુધીની આવકવાળાઓએ ૨૫૦૦ જેટલો જ કરવેરો ભરવો પડશે. એમાં પણ 80C હેઠળ આપવામાં આવતી કરમુક્તિને લીધે સાડાચાર લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા કરદાતાઓએ કોઈ કર ભરવો નહીં પડે.

પાંચ લાખ રૂપિયા કરતાં વધુ આવક હશે તેમને પણ અઢીથી પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર પાંચ ટકા ટૅક્સ લાગશે અને તેથી તેમની કરવેરાની જવાબદારી ૧૨,૫૦૦ રૂપિયા જેટલી ઘટી જશે.

૫૦ લાખથી એક કરોડ રૂપિયા સુધીની આવક ધરાવતા વ્યક્તિગત કરદાતાઓએ તેમના કુલ કરવેરા પર ૧૦ ટકા સરચાર્જ ભરવો પડશે. અત્યાર સુધી આ શ્રેણીને કોઈ સરચાર્જ લાગુ થતો નહોતો. એક કરોડ રૂપિયાથી વધુની આવકવાળાઓએ ૧૫ ટકા સરચાર્જ ભરવો પડશે.

નવા કરદાતાઓને સ્ક્રૂટિનીના ત્રાસમાંથી મુક્તિ


ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પરેશ કપાસીએ કહ્યું હતું કે ‘બજેટ એકંદરે આવકારદાયક છે. નાના અને મધ્યમ કરદાતાઓ માટે ઘણાં રાહતદાયક પગલાંની જાહેરાત કરવામાં આવી છે. ૫૦ કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીઓને ટૅક્સમાં પાંચ ટકાની રાહત અપાઈ છે. ડિજિટલ પેમેન્ટ પરનો ટૅક્સનો રેટ આઠ ટકાથી ઘટાડીને છ ટકા કરવામાં આવ્યો છે. અતિ શ્રીમંત એટલે કે વાર્ષિક ૫૦ લાખથી અધિકની આવક ધરાવનારાઓ પર ૧૦ ટકાનો સરચાર્જ લદાયો છે. ટૅક્સ બચાવવા માગતા અને ખોટી આવક દેખાડતા લોકો પ્રતિ પણ સરકારે કડક અભિગમ દાખવ્યો છે, પરંતુ નવા કરદાતાઓને સ્ક્રૂટિનીના ત્રાસમાંથી મુક્તિ આપવાની વાત કરવામાં આવી છે.’