યુપીના હાથરસમાં વધુ એક કાંડ: પુત્રી છેડતીની ફરિયાદ કરનાર પિતાની હત્યા

03 March, 2021 11:22 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

યુપીના હાથરસમાં વધુ એક કાંડ: પુત્રી છેડતીની ફરિયાદ કરનાર પિતાની હત્યા

ઉત્તર પ્રદેશના હાથરસના નોજરપુર ગામમાં પુત્રીની છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાવનાર પિતાની સોમવારે સાંજે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે આરોપી છેડતીનો કેસ પાછો ખેંચવા માટે પીડિત પરિવાર પર દબાણ કરી રહ્યો હતો. મરનારની પુત્રીએ ૬ જણ સામે કેસ દાખલ કર્યો છે એમાંથી એક જણની ધરપકડ કરવામાં આવી છે.

મરનાર બાવન વર્ષના અમરીશના પરિવારે પોલીસને જણાવ્યું હતું કે આરોપી ગૌરવ સાથે તેમના પરિવારની જૂની દુશ્મનાવટ ચાલી રહી હતી. સોમવારે અમરીશની પુત્રી અને આરોપી ગૌરવની પત્ની તથા માસી ગામના મંદિરે પૂજા કરવા ગઈ હતી ત્યાં આ મહિલાઓ વચ્ચે ઝઘડો થયો હતો.

સાંજે અમરીશ તેના ખેતરમાં બટાટા કાઢી રહ્યો હતો ત્યારે તેની પત્ની પુત્રી સાથે ભોજન લઈને ખેતરે પહોંચી હતી. એ દરમ્યાન આરોપી ગૌરવ પોતાના ત્રણ મિત્રો સાથે ત્યાં આવી પહોંચ્યો અને તેણે અમરીશ પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ઘાયલ અમરીશને સારવાર માટે હાથરસ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

એસપી વિનીત જયસ્વાલના જણાવ્યા પ્રમાણે અમરીશે ૧૬ જુલાઈએ ગામમાં ગૌરવ શર્મા સામે પુત્રીની છેડતી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલામાં ગૌરવ ૧૫ દિવસ સુધી જેલમાં રહ્યો હતો. જામીન પર બહાર આવ્યા બાદ તે અમરીશ પર કેસ પાછો ખેંચવા માટે દબાણ કરી રહ્યો હતો.

national news uttar pradesh