News In Short : બ્રિટનની 7 મોટી કંપનીએ નાદારી નોંધાવતાં લાખો ઘરમાં ગૅસપુરવઠો બંધ

24 September, 2021 11:25 AM IST  |  London | Agency

યુકેમાં દર ચારે એક ગૅસ વપરાશકાર એવી કંપનીના ગૅસનો ઉપયોગ કરે છે જેણે બજારમાં ભાવની વધઘટ સામે જથ્થાબંધ ભાવને લઈને હેજિંગ કર્યું નથી.

પ્રતીકાત્મક તસવીર

ગેસના ભાવમાં થયેલા નોંધપાત્ર વધારાના લીધે યુનાઇટેડ કિંગડમ (યુકે)ની સાત ગૅસ કંપનીઓએ નાદારી નોંધાવતાં ૬૦ લાખ ઘરોના ગૅસપુરવઠા પર ભય સર્જાયો છે. યુકેમાં દર ચારે એક ગૅસ વપરાશકાર એવી કંપનીના ગૅસનો ઉપયોગ કરે છે જેણે બજારમાં ભાવની વધઘટ સામે જથ્થાબંધ ભાવને લઈને હેજિંગ કર્યું નથી.
બિઝનેસ, એનર્જી અને ઇન્ડસ્ટ્રિયલ સ્ટ્રૅટેજી સિલેક્ટ કમિટીના સાંસદ જોનથન બ્રિયર્લીએ કશું કહેવાનો ઇનકાર કર્યો હતો, છતાં ઉમેર્યું હતું કે અમને લાગે છે કે મોટી સંખ્યામાં ગ્રાહકો પર અસર થઈ શકે છે. તેમણે ચેતવણી આપી હતી કે આ કટોકટી કામચલાઉ નથી.  
ભાવ ટોચમર્યાદા વધારીને પ્રતિ કુટુંબ દીઠ ૧૫૦૦ પાઉન્ડ કરી શકાય છે. આના લીધે કંપનીઓ ગૅસ અને વીજળીનાં બિલમાં વર્ષે ૬૦૦ પાઉન્ડનો ઉમેરો કરી શકશે. સપ્લાયરો ગ્રાહકોને હવે વર્ષના ૧૯૦૦ પાઉન્ડનો ફિક્સ્ડ રેટ ઑફર કરી રહ્યા છે. આ ભાવ પહેલી ઑક્ટોબરની ટોચમર્યાદા ૧૨૭૭ પાઉન્ડથી ૬૨૪ પાઉન્ડ વધારે છે. આગામી એપ્રિલમાં આ ટોચમર્યાદા સુધારીને ૧૪૫૫ પાઉન્ડ કરવામાં આવનાર છે. આમ ૨૦૨૦ના ૮૫૦ પાઉન્ડ કરતાં આ રીતસરનો બમણો ભાવ છે.
યુકેમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ગૅસનો જથ્થાબંધ ભાવ ૨૫૦ ટકા વધ્યો છે અને એમાં એકલા ઑગસ્ટમાં જ એમાં ૭૦ ટકા વધારો થયો છે. ઇગ્લો એનર્જી નામની કંપનીએ સંભવિત નાદારી માટે અલ્વારેઝ ઍન્ડ માર્સલની નિમણૂક કરી દીધી છે.
લગભગ સાત જેટલી કંપનીઓએ ટ્રેડિંગ બંધ કરી દીધું છે. આના લીધે હજારો ગ્રાહકો ગૅસપુરવઠા વગરના થઈ જાય એવી સંભાવના છે. એક પછી એક ગૅસ કંપનીઓની નાદારીના લીધે આગામી વર્ષ સુધીમાં તો ગૅસ કંપનીઓની સંખ્યા ૪૯થી ઘટીને ૧૦ થઈ જાય એમ મનાય છે.

national news international news