બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું અરબ સાગરમાં સફળતાપૂર્વક પરીક્ષણ

18 October, 2020 03:52 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું અરબ સાગરમાં સફળતાપૂર્વક પરીક્ષણ

બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ

ભારત અત્યારે તેની સૈન્ય શક્તિનો વિસ્તાર કરવા પર ભાર મુકી રહ્યું છે. સૈન્ય શક્તિનો વિસ્તાર કરી રહેલા ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. ભારતીય નૌસેનાએ રવિવારે અરબ સાગરમાં પોતાના જંગી યુદ્ધ જહાજ આઇએનએસ ચેન્નઈથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ (Brahmos Supresonic Cruise Missile)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.

મળતી માહિતી પ્રમાણે, બ્રહ્મોસે પોતાના ટાર્ગેટને ચોકસાઇથી વેધી દીધું છે. તેનાથી ભારતીય નૌસેનાની તાકાત અનેક ગણી વધી ગઈ છે. તેને જંગી યુદ્ધ જહાજોમાં સુરક્ષા માટે લગાવવા અંગેની વાત સામે આવી રહી છે. આ લાંબા અંતરની ઘાતક મિસાઇલ છે.

નોંધનીય છે કે, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ 400 કિલોમીટરથી વધુ અંતર સુધી ટાર્ગેટને ધ્વસ્ત કરી શકે છે. બ્રહ્મોસ એક રેમેજટ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે, જેને સબમરીન, યુદ્ધ જહાજ, ફાઇટર પ્લેનો અને જમીનથી પણ લૉન્ચ કરી શકાય છે. બ્રહ્મોસ મિસાઇલને ભારત અને રશિયાએ સંયુક્ત ઉપક્રમ હેઠળ વિકસિત કરવામાં આવી છે.

બ્રહ્મોસ મિસાઇલ ભારતીય નૌસેનાને દિવસ કે રાત કોઈ પણ સમયે અને કોઇ પણ મૌસમની સ્થિતિમાં સમુદ્ર કે જમીન પર કોઈ પણ ટાર્ગેટ પર પિનપોઇન્ટ ચોકસાઇ સાથે લાંબા અંતરથી હુમલો કરવા ક્ષમતા પ્રદાન કરે છે.

આ પહેલા ભારતે શુક્રવાર રાત્રે ઓડિશાના એક પરીક્ષણ કેન્દ્રથી સેનાના પ્રાયોગિક પરીક્ષણ હેઠળ પરમાણુ વિસ્ફોટક લઈ જવામાં સક્ષમ અને સ્વદેશમાં વિકસિત પૃથ્વી-2 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. રક્ષા સૂત્રોએ જણાવ્યું છે કે, જમીનથી જમીન પર માર કરનારી અત્યાધુનિક મિસાઇલને બાલાસોરની નજીક ચાંદીપુર સ્થિત એકીકૃત પરીક્ષણ કેન્દ્ર (આઇટીઆર)ના પ્રક્ષેપણ પરિસર-3થી રાત્રે લગભગ સાડા સાત વાગ્યે છોડવામાં આવી અને પરીક્ષણ સફળ રહ્યું.

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા ભારત જમીનથી જમીન પર માર કરનારી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસના આ નવા સંસ્કરણનું એક પરીક્ષણ કરી ચૂક્યું છે. તેની સાથે જ વિકિરણ રોધી મિસાઇલ રૂદ્રમ-1 સહિત અનેક મિસાઇલનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. લેઝર નિર્દેશિત ટેન્ક રોધી મિસાઇલ અને પરમાણુ ક્ષમતાવાળી હાઇપર સોનિક મિસાઇલ ‘શૌર્ય’નું પણ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રૂદ્રમ-1ના સફળ પરીક્ષણને એક મોટી ઉપલબ્ધિ તરીકે જોવામાં આવે છે કારણ કે તે ભારત દ્વારા વિકસિત પહેલું વિકિરણ રોધી હથિયાર છે.

national news indian navy