આસામનાં રમખાણો દેશ માટે કલંક : વડા પ્રધાન

29 July, 2012 04:37 AM IST  | 

આસામનાં રમખાણો દેશ માટે કલંક : વડા પ્રધાન

મૃત્યુઆંક વધીને ૫૩ થયોવડા પ્રધાન મનમોહન સિંહે ગઈ કાલે આસામના હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ સાથે તેમણે સૌથી વધુ અસરગ્રસ્ત છ જિલ્લા માટે ૩૦૦ કરોડ રૂપિયાના પૅકેજની જાહેરાત કરી હતી. બોડો આદિવાસીઓ અને મુસ્લિમો વચ્ચેનાં રમખાણોને કારણે બેઘર બનેલા લોકોને તાત્કાલિક મદદની જરૂર હોવાનું જણાવતાં વડા પ્રધાને હિંસા પાછળનાં કારણો શોધી કાઢવા માટે તપાસ કરાવવાની જાહેરાત કરી હતી. વડા પ્રધાને આસામનાં રમખાણોને કાળી ટીલી સમાન ગણાવ્યાં હતાં.

 

હિંસામાં જે લોકોના ઘરને સંપૂર્ણ નુકસાન પહોંચ્યું છે તેમને ૩૦,૦૦૦ રૂપિયાની સહાય આપવામાં આવશે, જ્યારે જેમના ઘરને અંશત: નુકસાન થયું હશે એવા લોકોને ૨૦,૦૦૦ રૂપિયાની મદદ આપવામાં આવશે. આ સાથે વડા પ્રધાને પ્રત્યેક મૃતકના પરિવારજનોને બે લાખ રૂપિયા તથા પ્રત્યેક ઈજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયાનું વળતર જાહેર કર્યું હતું. આસામની હિંસામાં ગઈ કાલ સુધી ૫૩ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને બે લાખથી વધુ લોકો રાહત કૅમ્પોમાં આશ્રય લઈ રહ્યા છે.  

કેન્દ્ર સરકારે ગઈ કાલે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં અર્ધ-લશ્કરી દળોના કુલ ૧૧,૦૦૦ જવાનો તહેનાત કરવાનો આદેશ આપ્યો હતો. અત્યારે સૌથી અસરગ્રસ્ત કોકરાઝાર, ચિરાંગ અને ધુબરી જિલ્લામાં ૭૩૦૦ જવાનો તહેનાત છે. આ સાથે જીવનજરૂરી ચીજવસ્તુઓ તથા દવાઓ સાથેનું વિમાન રવાના કરવામાં આવ્યું હતું. ગઈ કાલે પશ્ચિમબંગનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ પણ આસામના અસરગ્રસ્તોની દેખભાળ કરવાની તૈયારી દર્શાવી હતી.