આસામ શાંતિ સમજૂતી પૂર્વોત્તરના લોકો માટે 21મી સદીની નવી શરૂઆતઃ મોદી

08 February, 2020 10:31 AM IST  |  Kokrajhar

આસામ શાંતિ સમજૂતી પૂર્વોત્તરના લોકો માટે 21મી સદીની નવી શરૂઆતઃ મોદી

નરેન્દ્ર મોદી

બોડો શાંતિ કરાર બાદ પ્રથમ વખત આસામના કોકરાઝારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રૅલીનું આયોજન કરવામાં આવ્યું છે. વડા પ્રધાન મોદીએ રૅલીમાં કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ધારદાર વાક્બાણ છોડ્યા હતા. પીએમએ જણાવ્યું કે કેટલાક નેતાઓ મને ડંડા મારવાની વાતો કરી રહ્યા છે પરંતુ દેશની માતાઓ તેમ જ બહેનોના આશીર્વાદથી હું સુરક્ષિત રહીશ.

નોંધપાત્ર જનમેદનીને સંબોધતા મોદીએ જણાવ્યું કે જેને આટલા મોટાપાયે માતાઓ તેમ જ બહેનોની સુરક્ષા મળી હોય તેને કોઈ દંડો મારી શકે નહીં. વડા પ્રધાને જણાવ્યું કે કેટલાક લોકો, એનઆરસી, સીએએને લઈને ભ્રમ ફેલાવી રહ્યા છે, પરંતુ પૂર્વોત્તરના લોકોને હું કહેવા માગું છું કે દેશવિરોધી શક્તિઓ પર વિશ્વાસ કરશો નહીં. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, આસામ શાંતિ સમજૂતી પૂર્વોત્તરના લોકો માટે ૨૧મી સદીમાં નવી શરૂઆત છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધીના ડંડાવાળા નિવેદનના મામલે સંસદમાં ભારે ઘમસાણ, ધક્કામુક્કી

કોકરાઝારમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે ‘આજે જે ઉત્સાહ, ઉમંગ હું તમારા ચહેરાઓ પર જોઈ રહ્યો છું તે અહીંના આરોનાઈ અને ડોખોનાના રંગારંગ માહોલ કરતાં પણ વધુ સંતોષ પ્રદાન કરી રહ્યો છે. આઝાદી બાદ આ સૌથી મોટી રાજકીય રૅલી છે. મેં મારા રાજકીય જીવનમાં આવી રૅલી નથી જોઈ.’ પીએમે કહ્યું આજનો દિવસ એ હજારો શહીદોને યાદ કરવાનો છે, જેમણે દેશ માટે પોતાના કર્તવ્ય પથ પર જીવનનું બલિદાન આપી દીધું. આસામમાં હવે હિંસા નહીં થાય.

assam narendra modi national news