13 November, 2026 04:44 PM IST | Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent
બે SPOની હત્યા
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં દચ્ચાનના ઊંચા પહાડી વિસ્તારોમાંથી ગુમ થયેલા બે સ્પેશ્યલ પોલીસ ઑફિસર (SPO)ના ગોળીઓથી વીંધાયેલા મૃતદેહો મળી આવ્યા છે. આ બેઉ કિશ્તવાડના દચ્ચાન ક્ષેત્રના કિયાર ગામમાં તહેનાત હતા.
બુધવારે ૫૭ વર્ષના બાબી ચંદ અને ૪૫ વર્ષના રશપાલ કુમાર નામના બે ઑફિસરો પોતાના કૅમ્પથી ધરના-મરવાહ સ્થિત આર્મીની એક ચોકી તરફ જઈ રહ્યા હતા ત્યારે ગુમ થયા હતા. તેમના મોબાઇલ ફોન પણ બંધ આવતા હતા. તેઓ ગુમ થયા ત્યારે તેમની પાસે ૬૦ રાઉન્ડની ઇન્સાસ રાઇફલ અને ૫૦ રાઉન્ડની 0.303 રાઇફલ પણ હતી અને આ હથિયારો પણ ગાયબ છે. આ ઘટના બાદ આખા જિલ્લામાં સુરક્ષાવ્યવસ્થા સખત કરવામાં આવી છે અને આતંકવાદીઓને શોધવા માટે સર્ચ-ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ઑફિસરોના મૃત્યુના સંજોગો વિશે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.