ઍરલાઇન્સ ક્ષેત્રે ચાર લાખ લોકો બેકાર થયા

25 July, 2020 11:49 AM IST  |  Bloomberg | Agencies

ઍરલાઇન્સ ક્ષેત્રે ચાર લાખ લોકો બેકાર થયા

ફ્લાઈટ્સ

વિશ્વભરમાં કોરોના વાઇરસના લૉકડાઉને અર્થતંત્રોને નબળાં કરી દીધાં છે. એની સૌથી વધુ પ્રતિકૂળ અસર જે ક્ષેત્રોમાં પડી છે એમાં ઍરલાઇન ક્ષેત્ર પણ સામેલ છે. બ્લૂમબર્ગની એક ગણતરી અનુસાર આશરે ચાર લાખ ઍરલાઇન કર્મચારીઓએ વિશ્વભરમાં પોતાની નોકરી ગુમાવી છે. ઍરલાઇન્સ ઉદ્યોગે સૌથી મોટું નુકસાન ભોગવવું પડ્યું છે, કેમ કે આ રોગચાળાએ ટિકિટોના વેચાણ અને કમાણીને ખતમ કરી દીધાં છે. વિશ્વભરમાં ઍરલાઇન્સે સીમા પર પ્રતિબંધ અને લૉકડાઉનને કારણે ફ્લાઇટ્સની ઉડાનોમાં ભારે કાપ મૂક્યો છે. દેશમાં ઍરલાઇન્સે મોટી સંખ્યામાં કર્મચારીઓના પગારમાં કાપ મૂક્યો છે. 

બ્રિટિશ ઍરવેઝ, ડોઇશ લુફથાન્સા એજી, એમિરેટ્સ ઍરલાઇન્સ અને ક્વૉન્ટાસ ઍરવેઝ લિમિટેડ એ ઍરલાઇન્સોમાં સામેલ છે, જેમણે મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરી છે અથવા અનપેડ લીવ પર મોકલી દીધા છે. ડેલ્ટા ઍરલાઇન્સ ઇન્ક, યુનાઇટેડ ઍરલાઇન્સ હોલ્ડિંગ્સ ઇન્ક અને અમેરિકન ઍરલાઇન્સ ગ્રુપ ઇન્કે પહેલેથી જ ૩૫,૦૦૦ કર્મચારીઓને ચેતવણી આપી છે કે તેમની નોકરી પર જોખમ ઝળૂંબી રહ્યું છે. એટલું જ નહીં, જેમની નોકરી બચી છે તેઓ મોટા પગારકાપનો સામનો કરી રહ્યા છે.
વિશ્વભરમાં ઍરલાઇન્સ ક્ષેત્રે પાઇલટ અને કેબિન-ક્રૂ સહિત ૪,૦૦,૦૦૦ નોકરીઓ જવાનો અંદાજ છે. ઇન્ટરનૅશનલ ટ્રાન્સપોર્ટ અસોસિએશનના જણાવ્યા અનુસાર વિમાન ઉત્પાદકો, એન્જિન ઉત્પાદકો, ઍરપોર્ટ અને ટ્રાવેલ એજન્સીઓ સહિત સંબંધિત ઉદ્યોગોમાં નોકરીઓનું નુકસાન અઢી કરોડ (૨૫ મિલ્યન) સુધી પહોંચી શકે છે. ઍરબસ, એસઈ અને બોઇંગ ૩૦,૦૦૦થી વધુનાં પદોમાં કાપ કરી રહી છે.

national news coronavirus covid19 lockdown