જોઈ ન શકતી મહિલાઓના માથેથી ગરબો પડે પણ નહીં અને કદીયે બુઝાય પણ નહીં

20 October, 2012 07:33 AM IST  | 

જોઈ ન શકતી મહિલાઓના માથેથી ગરબો પડે પણ નહીં અને કદીયે બુઝાય પણ નહીં



રશ્મિન શાહ

રાસ રમવા અને એમાં પણ પ્રાચીન ગરબા રમવા એ ખરેખર કળાનું કામ છે. આ કળા દેખતા માણસો પણ પર્ફેક્ટ રીતે નિભાવી નથી શકતા તો વળી જોઈ ન શકતા લોકોની તો શું વિસાત છે કે તેઓ પર્ફેક્શન સાથે ગરબા રમે.

આવું ૯૯.૯૯ ટકા લોકો માનતા હોય છે, પણ જે કોઈએ રાજકોટના વી. બી. પારેખ અંધ મહિલા વિકાસગૃહના ગરબા જોયા હશે તેઓ ક્યારેય આ વાત સાથે સહમત નહીં થાય. છેલ્લાં ચાર વર્ષથી થતા આ ગરબામાં ગરબા ગાનારાઓથી માંડીને ગરબા રમનારી બાળાઓ સુધ્ધાં જોઈ નથી શકતાં અને છતાં એકદમ અદ્ભુત રીતે ગરબા રમે છે એટલું જ નહીં, તેમના ગરબા પણ એવા આકરા હોય છે કે એ રમવાની હિંમત દેખતા લોકો પણ ન કરે. વિકાસગૃહનાં ટ્રસ્ટી ચંદ્રિકા વ્યાસ કહે છે, ‘અમારે ત્યાં દરરોજ અગિયાર ગરબા થાય છે. આ બધા ગરબામાં માથા પર દીવા સાથેનો ગરબો હોય જ. ગરબો પડવો ન જોઈએ અને બુઝાવો પણ ન જોઈએ. પહેલા વર્ષો તો અમને કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે આ બધા ગરબા કરવાની ના પાડી હતી, પણ પછી તેમણે પ્રૅક્ટિસ જોઈ એટલે પરમિશન આપી.’

૨૦૦૭માં શરૂ થયેલા વિકાસગૃહમાં ૨૦૦૮માં ગરબા શરૂ થયા ત્યારે શરૂઆતનાં બે વર્ષ મંડપ પાસે ફાયર-બ્રિગેડની ગાડી રાખવામાં આવતી, પણ ૨૦૧૦ પછી તો એ પણ બંધ કરી દેવામાં આવી. હવે અહીં માત્ર ફાયર-સેફ્ટીનાં સાધનો રાખવામાં આવે છે. ચંદ્રિકાબહેન કહે છે, ‘અમારે ત્યાં કેટલીયે જોઈ ન શકતી યુવતીઓ એવી હતી જેમને તેમના જ ફૅમિલી-મેમ્બર મૂકી ગયા હતા. એ લોકોને એમ હતું કે દીકરીઓને દૃષ્ટિ ન હોવાથી તેઓ ઘરમાં ભાર બનીને રહેશે, પણ અમારા ગરબા જોઈને તેમને વિશ્વાસ આવ્યો કે તેમના ઘરની દીકરીને આંખ નથી પણ આત્મવિશ્વાસની દૃષ્ટિ છે. આ ગરબાને કારણે અત્યાર સુધીમાં નવ દીકરીઓને તેમના જ ફૅમિલી-મેમ્બર ઘરે પાછી લઈ ગયા છે અને સુખેથી સાથે રાખે છે.’

જોઈ ન શકતી મહિલાઓના આત્મવિશ્વાસથી છલોછલ ભરેલા આ ગરબા જોવા માટે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને જાણીતા ફિલ્મ-ડિરેક્ટર સંજય લીલા ભણસાલી પણ રાજકોટ આવી ગયા છે.

તસવીરો : ચિરાગ ચોટલિયા