૫૦ કરોડ લોકો સુધી પહોંચવાનો બીજેપીનો ટાર્ગેટ

03 July, 2022 01:42 PM IST  |  Hyderabad | Agency

૨૦ કરોડ લોકો સુધી પહોંચવા માટેની કવાયત ‘હર ઘર તિરંગા’ પ્રોગ્રામની રૂપરેખા વિશે ચર્ચા કરાઈ હતી, પાર્ટી સરકારી યોજનાઓના ૩૦ કરોડ લાભાર્થીઓ સુધી પણ પહોંચશે

હૈદરાબાદમાં બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની મીટિંગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ.

૨૦૨૪ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બીજેપીએ ગઈ કાલે અનેક નવી ઍક્ટિવિટીઝની જાહેરાત કરી હતી, જેમાં લોકોમાં એકતા લાવવા માટે ‘હર ઘર તિરંગા’ પ્રોગ્રામ પણ સામેલ છે. 
હૈદરાબાદમાં આયોજિત બીજેપીના પદાધિકારીઓની મીટિંગમાં લોકો સુધી માહિતી પહોંચાડવા માટેની ઍક્ટિવિટીઝ વધારવા તેમ જ બૂથ-સ્તરે સંગઠનને મજબૂત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
પાર્ટીએ જણાવ્યું હતું કે ‘રાષ્ટ્રીય કાર્યકારીની મીટિંગમાં બે ઠરાવો પસાર કરવામાં આવશે, જેમાંથી એક ઠરાવ રાજકીય જ્યારે બીજો ઠરાવ આર્થિક અને ગરીબોના કલ્યાણ પર હશે.’ 
પાર્ટીનાં ઉપાધ્યક્ષ વસુંધરા રાજેને સવાલ કરવામાં આવ્યો હતો કે ‘પયગંબર મોહમ્મદ વિશે વાંધાજનક કમેન્ટ્સ કરનારાં બીજેપીનાં સસ્પેન્ડેડ પ્રવક્તા નૂપુર શર્માને સંબંધિત પોસ્ટ કરવા બદલ ઉદયપુરમાં થયેલી એક હત્યા વિશે ચર્ચા કરવામાં આવશે કે નહીં.’ એના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ‘રાષ્ટ્રીય કાર્યકારિણીની મીટિંગમાં તમામ મહત્ત્વના મુદ્દાઓ અને અત્યારના રાજકીય વાતાવરણ વિશે ચર્ચા કરવામાં આવશે.’ 
રાજેએ જણાવ્યું હતું કે ‘પદાધિકારીઓની મીટિંગમાં ૨૦ કરોડ લોકો સુધી પહોંચવા માટેની કવાયત ‘હર ઘર તિરંગા’ સહિતની સંગઠનની નવી ઍક્ટિવિટીઝની રૂપરેખા વિશે ચર્ચા કરવામાં આવી હતી. રાજેએ એમ પણ જણાવ્યું હતું કે ‘પાર્ટી જુદી-જુદી સરકારી યોજનાઓના ૩૦ કરોડ લાભાર્થીઓ સુધી પણ પહોંચશે.’

national news hyderabad