BJPએ કરાવેલા ઇન્ટર્નલ સર્વેમાં ૧૬૨ સીટ મળવાની આગાહી

19 October, 2014 02:56 AM IST  | 

BJPએ કરાવેલા ઇન્ટર્નલ સર્વેમાં ૧૬૨ સીટ મળવાની આગાહી



વરુણ સિંહ

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં કુલ ૨૮૮ સીટનાં આજે જાહેર થનારાં પરિણામો પહેલાંના તમામ સર્વેમાં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના મૅજિકને કારણે BJP સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે બહાર આવવાની આગાહી કરવામાં આવી છે, પરંતુ ખુદ BJP શું માને છે અને એનો પ્રાઇવેટ સર્વે શું કહે છે એ જાણવું પણ રસપ્રદ છે.

BJPનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે લોકસભાની ચૂંટણીમાં ઊંઘતા ઝડપાઈ ન જવાય એટલે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સિટિઝન ફૉર અકાઉન્ટેબલ ગવર્નન્સ (CAG) નામની એક બૉડી પોલ-સર્વે માટે તૈયાર કરવામાં આવી હતી. આ બૉડીના સર્વે પ્રમાણે જ લોકસભાની ચૂંટણીમાં પાર્ટીને સીટો મળી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પણ આ બૉડી સક્રિય કરવામાં આવી હતી અને એના સર્વેમાં પણ પાર્ટીને ૧૬૨ સીટનું અનુમાન મળ્યું છે. પાર્ટીનાં સૂત્રોએ કહ્યું હતું કે આ વિશ્વસનીય આંકડો છે અને એમાં ત્રણથી પાંચ ટકાનો ફેર પડે તોય BJPને ૧૨૫થી ૧૩૫ સીટ તો મળશે જ. આવો અંદાજ વિવિધ સર્વે અને પાર્ટીના નેતાઓનો પણ છે.

BJPની CAGએ અન્ય પાર્ટીઓને કેટલી સીટ મળશે એનો પણ અંદાજ મેળવ્યો છે. એ પ્રમાણે શિવસેનાને ૫૯, કૉન્ગ્રેસને પચીસ, NCPને ૨૩ અને MNSને માત્ર સાત સીટ મળશે. બાકીની સીટો અન્યોના ફાળે જશે. પાર્ટીના સર્વેની હાઇલાઇટ એ છે કે મુંબઈ BJPના પ્રમુખ આશિષ શેલારનો સતત બીજી વાર બાંદરા (વેસ્ટ)ની સીટ પર કૉન્ગ્રેસના ઉમેદવાર બાબા સિદ્દીકી સામે પરાજય થશે.

આ સર્વે પર કામ કરનારા BJPના નેતાઓના દાવા પ્રમાણે સર્વે વિશ્વસનીય છે. તેમણે જણાવ્યું હતું કે ‘આ સર્વે કોઈ લહેરના આધારે નહીં પરંતુ લોકોના સાચા મૂડને પારખીને કરવામાં આવ્યો છે. આશિષ શેલારની સીટ પાર્ટીને નથી મળવાની. જોકે છેલ્લી ઘડીએ ક્યારેક અણધાર્યું પરિણામ આવી શકે છે એને ધ્યાનમાં લઈને બે-પાંચ ટકા મતના તફાવતથી પણ આ સીટ પર પાર્ટી જીતી શકે છે.’  

મુંબઈની ૩૬ સીટનો અંદાજ

પાર્ટીના CAGના અંદાજ પ્રમાણે મુંબઈની ૩૬ સીટમાંથી BJPને RPI (A)ને ફાળવેલી ચેમ્બુરની સીટ સહિત ૧૩ સીટ મળશે. શિવસેનાને ૧૧, કૉન્ગ્રેસને છ અને MNSને પાંચ સીટ મળશે. એક સીટ અન્યને મળશે. જોકે મુંબઈમાં NCPનું ખાતું પણ નહીં ખૂલે. મુંબઈમાં BJPને વધુ સીટોની અપેક્ષા છે અને પાર્ટી હાલમાં શિવસેનાની સત્તા હેઠળ રહેલી મુંબઈ સુધરાઈ પર પકડ મજબૂત કરવા આતુર છે.

વિરોધી પાર્ટીઓ શું કહે છે?

અન્ય પાર્ટીઓએ BJPના આ સર્વેને હકીકતથી વેગળો ગણાવ્યો હતો. NCPના સ્પોક્સપર્સન ઉદય પ્રતાપ સિંહે કહ્યું હતું કે ‘હાલમાં મુંબઈમાં અમારા હાથમાં ત્રણ સીટ છે અને BJPના સર્વેમાં અમારી પાર્ટીને એક પણ સીટ નહીં મળે એમ કહેવાયું છે એ વિચિત્ર છે. કમસે કમ અમારી ત્રણ સીટ તો અમે જાળવી રાખીશું.’

શિવસેનાને પણ રાજ્યમાં જીત મેળવવાનો વિશ્વાસ છે. પાર્ટીનાં સ્પોક્સપર્સન શ્વેતા પરુળેકરે કહ્યું હતું કે અમને વિશ્વાસ છે કે રાજ્યમાં અમારી સીટો ત્રણ આંકડા (કમસે કમ ૧૦૦) સુધી પહોંચશે અને રાજ્યમાં નંબર વન પાર્ટી તરીકે બહાર આવીશું.