દિલ્હીમાં મોદીનું જોરદાર સ્વાગત, પીએમ-પીએમના નારા લાગ્યા

28 December, 2012 03:42 AM IST  | 

દિલ્હીમાં મોદીનું જોરદાર સ્વાગત, પીએમ-પીએમના નારા લાગ્યા



દિલ્હીમાં ગઈ કાલે વડા પ્રધાન મનમોહન સિંહના વડપણ હેઠળ નૅશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (એનડીસી)ની બેઠક યોજાઈ હતી. વર્ષમાં એક વાર યોજાતી આ બેઠકમાં દેશનાં તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનો ભાગ લીધો હતો. બેઠકમાં સરકારે આ વર્ષે આર્થિક વિકાસદરનો ટાર્ગેટ ૮.૨ ટકાથી ઘટાડીને આઠ ટકા કરવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં, વડા પ્રધાને સબસિડીઓમાં કાપ મૂકવા માટે પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગૅસના ભાવમાં વધારો કરવાની પણ જરૂરિયાત જણાવી હતી. બેઠક બાદ હજી એક દિવસ પહેલાં જ ચોથી વખત ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેનો ચાર્જ સંભાળનાર નરેન્દ્ર મોદીએ સરકાર પર દિશાવિહીન અને વિચારવિહીન હોવાનો આક્ષેપ મૂક્યો હતો. મોદીએ કહ્યું હતું કે સબળ નેતૃત્વના અભાવને કારણે અર્થતંત્રની કફોડી હાલત થઈ છે. મોદીએ વડા પ્રધાન પર સીધો આક્ષેપ કરતાં કહ્યું હતું કે મનમોહન સિંહ દેશને નિરાશાવાદ તરફ દોરી રહ્યા છે.

વડા પ્રધાને શું કહ્યું હતું?

વડા પ્રધાન મનમોહન સિંહે તેમની સ્પીચમાં વર્તમાન આર્થિક વાતાવરણને અત્યંત પ્રતિકૂળ ગણાવતાં ઊર્જા (પેટ્રોલ, ડીઝલ, ઇલેક્ટિÿસિટી, રસોઈ ગૅસ)ના ભાવ વધારવાનો સંકેત આપ્યો હતો. એટલું જ નહીં, તેમણે આઠ ટકાના વિકાસદરને પણ મુશ્કેલ ગણાવ્યો હતો. અગાઉ આયોજન પંચે ૨૦૧૨ માટે ૮.૨ ટકા વિકાસદરનો ટાર્ગેટ નક્કી કર્યો હતો, પણ મુશ્કેલ આર્થિક સ્થિતિને કારણે આ ટાર્ગેટ ઘટાડવામાં આવ્યો હતો. વડા પ્રધાને તેમની સ્પીચમાં ખાસ કરીને સબસિડીઓનું ભારણ ઘટાડવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં સામેલ નાણાપ્રધાન ચિદમ્બરમે પણ આકરા પગલાં લેવાં પડશે એમ કહ્યું હતું.

નેતૃત્વનો અભાવ : મોદી

એનડીસીની બેઠક બાદ મોદીએ કહ્યું હતું કે સબળ નેતૃત્વના અભાવને કારણે દેશમાં નિરાશાનું વાતાવરણ સર્જાયું છે. તેમણે કહ્યું હતું કે કેન્દ્રની નીતિઓમાં સહેજ પણ ગંભીરતા હોતી નથી. મોદીએ જણાવ્યું હતું કે જ્યારે સમગ્ર વિશ્વની નજર ભારત પર છે ત્યારે દેશનું નેતૃત્વ કરી રહેલી વ્યક્તિ નિરાશાવાદભરી વાતો કરે છે. બેઠકમાં મોદીએ તેમની સ્પીચમાં કહ્યું હતું કે દેશના અર્થતંત્રના મૅનેજમેન્ટમાં દિશાહીનતા દેખાઈ રહી છે. મોદીએ વિકાસ માટે ગુજરાતનું મૉડલ અપનાવવાની પણ અપીલ કરી હતી. પત્રકારો સાથે વાત કરતાં જ્યારે મોદીને પૂછવામાં આવ્યું કે શું તેઓ દેશનું નેતૃત્વ કરવા તૈયાર છે કે નહીં તો તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું.

સરકાર પર મોદીનો કટાક્ષ

એનડીસીની બેઠક બાદ નરેન્દ્ર મોદીએ પત્રકારો સાથે વાત કરતાં રાષ્ટ્રીય વિકાસને મુદ્દે તેમનો અભિપ્રાય તથા તેમણે ઉઠાવેલા મુદ્દાઓ બાબતે વાત કરી હતી. બાદમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું દરેક મુખ્ય પ્રધાનને બોલવા માટે ૧૦ મિનિટનો સમય અપાયો હતો એ યોગ્ય છે? આ સવાલના જવાબમાં મોદી પહેલાં તો થોડી વાર ચૂપ રહ્યા, પણ પછી તેમણે ચહેરા પર સ્મિત સાથે કહ્યું હતું કે ‘સરકાર તો એવું જ ઇચ્છશેને કે જેટલું ઓછું સાંભળવા મળે એટલું સારું.’ મોદીએ આર્થિક વિકાસને મુદ્દે સરકાર પર ગંભીર નહીં હોવાનો આરોપ મૂક્યો હતો.

બોલતાં રોકવામાં આવતાં જયલલિતાનો વૉકઆઉટ

વડા પ્રધાન મનમોહન સિંહના નેતૃત્વમાં કાલે દિલ્હીમાં મળેલી નૅશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (એનડીસી)ની બેઠકમાં તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનોને બોલવા માટે ૧૦ મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. તામિલનાડુનાં મુખ્ય પ્રધાન જયલલિતા જ્યારે ભાષણ આપી રહ્યાં હતાં ત્યારે ૧૦ મિનિટનો સમય પૂરો થતાં બઝર વાગ્યું હતું અને તેમને બોલતાં રોકવામાં આવ્યાં હતાં. આથી ગુસ્સે થયેલાં જયલલિતા એ બેઠકમાંથી બહાર નીકળી ગયાં હતાં.

કહેવાય છે કે ૧૦ મિનિટના સમયમાં જયલલિતાએ માંડ અડધું ભાષણ જ પૂરું કર્યું હતું. બહાર આવ્યા બાદ જયલલિતાએ બેઠકમાં તેમની સાથે અપમાનજનક વર્તાવ થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દરેક મુખ્ય પ્રધાનને બોલવાનો સમય આપવો જોઈતો હતો, પણ એવું થયું નહીં.