બીજેપીના ઉર્દૂનો ટીઆરએસે આપ્યો ગુજરાતીમાં જવાબ

04 July, 2022 10:38 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

કેસરિયા પાર્ટીએ તેલંગણની શાસક પાર્ટીના શાબ્દિક હુમલાનો જવાબ આપવા ઉર્દૂ ભાષાનો ઉપયોગ કરતાં કેસીઆરએ નરેન્દ્ર મોદીની પાર્ટીને ગુજરાતીમાં ટ્વીટ્સ કરીને આપ્યો વળતો જવાબ

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ મીડિયા પર બીજેપી અને ટીઆરએસ (તેલંગણ રાષ્ટ્ર સમિતિ) વચ્ચેની શાબ્દિક લડાઈએ ગઈ કાલે નવો વળાંક લીધો હતો. કેસરિયા પાર્ટીએ તેલંગણની શાસક પાર્ટીના શાબ્દિક હુમલાનો જવાબ આપવા માટે ઉર્દૂ ભાષાનો ઉપયોગ કર્યો હતો, જ્યારે ટીઆરએસે પીએમ નરેન્દ્ર મોદીની માતૃભાષા અને પસંદગીની ભાષા ગુજરાતીમાં ટ્વીટ્સ કરવાનું પસંદ કર્યું હતું.  

ટીઆરએસે ગુજરાતી ભાષામાં તેલંગણ સરકારની સિ​દ્ધિઓ જણાવતી ટ્વીટ્સની સિરીઝ કરીને બીજેપીને વધુ એક વખત જવાબ આપ્યો હતો. ગુજરાતી સ્વાભાવિક રીતે પીએમની માતૃભાષા અને પસંદગીની ભાષા છે. બીજેપીએ રાજ્ય સરકારની નિષ્ફળતાઓ જણાવતાં ટ્વીટ્સની સિરીઝ ઉર્દૂ ભાષામાં કરી હતી.

બીજેપીએ એના ટ્વીટમાં લખ્યું હતું કે ‘મિસ્ટર કેસીઆર, લોકો તમારાથી હતાશ થઈ ગયા છે. તેલંગણની સમસ્યાઓને તમે સાંભળતા નથી. જો અમે શ્રી કેસીઆર અને દારુસલામના સુપર સીએમને તેમની પોતાની પસંદગીની ભાષામાં કહીએ તો તેઓ સાંભળે છે કે નહીં એ જોઈએ.’ કેસરિયા પાર્ટીએ એ પછી ઉર્દૂમાં કેસીઆર અને ટીઆરએસની નિષ્ફળતાઓ જણાવી હતી.

ટીઆરએસે ગુજરાતી ભાષામાં એની સરકારની ૧૫ સિદ્ધિઓ ગણાવી હતી; જેમાં લખવામાં આવ્યું હતું કે ‘તેલંગણમાં આપનું સ્વાગત છે. અર્થતંત્રમાં ભારતનું સૌથી વધુ ફાળો આપનારું ચોથું રાજ્ય.’ એ પછી ટ્વીટ્સની સિરીઝમાં રાજ્ય સરકારની સિદ્ધિઓ ગણાવવામાં આવી છે. આ બંને પાર્ટીઓએ તાજેતરમાં એકબીજા પર શાબ્દિક હુમલાઓ વધાર્યા છે. 

ટીઆરએસ ભ્રષ્ટ રાજકારણનું પ્રતીકઃ બીજેપી

બીજેપીએ એની રાષ્ટ્રીય કાર્યકારિણીની મીટિંગમાં એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘તેલંગણમાં ટીઆરએસ સરકાર વંશવાદ અને ભ્રષ્ટ રાજકારણનું પ્રતીક બની ગઈ છે. સાથે જ આ રાજ્યના લોકોની મુશ્કેલીઓને લઈને રાજ્ય સરકાર પ્રત્યે રોષની લાગણી વ્યક્ત કરાઈ હતી.’

national news bharatiya janata party