04 February, 2026 09:59 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
સંસદસભ્ય સી. સદાનંદન માસ્ટરે પોતાના આર્ટિફિશ્યલ પગ ટેબલ પર મૂક્યા
રાજ્યસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર-પ્રસ્તાવ પર ચર્ચા દરમ્યાન સોમવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય સી. સદાનંદન માસ્ટરે પોતાના આર્ટિફિશ્યલ પગ ટેબલ પર મૂક્યા ત્યારે હંગામો મચી ગયો હતો. તેમણે ૩૧ વર્ષ પહેલાં તેમના પર થયેલા હુમલાનું વર્ણન કર્યું હતું અને આ હુમલા માટે કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્ક્સવાદી) એટલે કે CPI(M)ના કાર્યકરોને જવાબદાર ઠેરવ્યા હતા. CPI(M) પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે ‘જે લોકો આજે સંસદમાં લોકશાહીની દુહાઈ આપી રહ્યા છે તેમણે ૩૧ વર્ષ પહેલાં મારા પર હુમલો કર્યો હતો. આ પક્ષોની પ્રતિબદ્ધતા લોકશાહી મૂલ્યો પ્રત્યે નહીં પરંતુ રાજકીય હિંસા પ્રત્યે છે. રાજકીય હિંસા કોઈ પણ લોકશાહી માટે સારી નથી. એ દેશનાં લોકશાહી મૂલ્યોને નુકસાન પહોંચાડે છે.’
કેરલાના ભૂતપૂર્વ શિક્ષક સી. સદાનંદન માસ્ટર રાજ્યસભાના નામાંકિત સભ્ય છે. તેમણે ૧૯૯૪માં CPI(M)ના સભ્યો દ્વારા કથિત રીતે કરવામાં આવેલા હુમલામાં બન્ને પગ ગુમાવ્યા હતા. ડાબેરી સમર્થકો દ્વારા તેમના પગ કાપી નાખવામાં આવ્યા હતા જેથી તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને ટેકો આપવા બદલ પાઠ ભણાવી શકાય. આ કેસમાં આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા છે.
શારીરિક અક્ષમતાને કારણે બેસીને ભાષણ આપી રહેલા સદાનંદન માસ્ટરે પોતાના આર્ટિફિશ્યલ લેગ્સ ટેબલ પર મૂક્યા હતા. રાજ્યસભામાં આભાર-પ્રસ્તાવ દરમ્યાન તેમણે બોલવાનું શરૂ કર્યું ત્યારે કેરલાના કમ્યુનિસ્ટ પાર્ટી-માર્ક્સવાદી (CPM) સંસદસભ્ય જૉન બ્રિટાસે તરત જ નિયમોનો ઉલ્લેખ કરીને ગૃહમાં પોતાનું કૃત્રિમ અંગ પ્રદર્શિત કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. અન્ય ઘણા સંસદસભ્યો પણ વિરોધમાં જોડાયા હતા. જોકે અધ્યક્ષ સી. પી. રાધાકૃષ્ણને તેમને ખાતરી આપી કે તેઓ સંસદસભ્યને તેમના આર્ટિફિશ્યલ લેગ્સને નીચે રાખવાનો નિર્દેશ આપશે. સ્પીકરે કમેન્ટ કરી હતી કે સદાનંદન માસ્ટર એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શા માટે તેઓ બેસીને બોલી રહ્યા છે.
સદાનંદન માસ્ટરે પોતાના ભાષણમાં ૧૯૯૪ની ૨૫ જાન્યુઆરીની ઘટનાને યાદ કરી હતી, જેણે તેમનું જીવન કાયમ માટે બદલી નાખ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘હું દેશ અને લોકોને બતાવવા માગું છું કે લોકશાહી શું છે. ૩૧ વર્ષ પહેલાં કેરલાના કન્નુરમાં જ્યારે હું ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે ઘર પાસે CPI(M)ના કાર્યકરો દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો હતો. ગુનેગારોએ મને પાછળથી પકડી લીધો, રસ્તા પર ફેંકી દીધો અને ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ના નારા લગાવતાં મારા પગ કાપી નાખ્યા હતા.’
સદાનંદન માસ્ટરે પોતાના ભાષણનો અંત એક કરુણ ટિપ્પણી સાથે કર્યો કે મને દુઃખ છે કે CPI(M) દ્વારા કરવામાં આવેલા ઉત્પીડનને કારણે હું મારું પહેલું ભાષણ આપતી વખતે ઊભો ન રહી શક્યો.
સી. સદાનંદન માસ્ટર વ્યવસાયે શિક્ષક છે. તેઓ કેરલાના થ્રિસૂર જિલ્લાના વતની છે અને ૧૯૯૯ બાદ તેઓ હાયર સેકન્ડરી સ્કૂલમાં સામાજિક વિજ્ઞાન ભણાવતા હતા. તેમણે ગુવાહાટી યુનિવર્સિટીમાંથી BCoM અને કાલિકટ યુનિવર્સિટીમાંથી BEd કર્યું છે. કૉલેજના દિવસોમાં તેઓ ડાબેરી વિદ્યાર્થી સંગઠન સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (SFI) સાથે જોડાયેલા હતા, પરંતુ ૧૯૮૪માં તેઓ એને છોડીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં જોડાયા હતા. બાદમાં તેઓ BJPના રાજકારણમાં સક્રિય થયા હતા.
BJPએ તેમને ૨૦૧૬ અને ૨૦૨૧માં કન્નુર જિલ્લાની કુત્તુપરંબા વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા. બન્ને વખત તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આમ છતાં પાર્ટીમાં તેમનું અસ્તિત્વ અકબંધ રહ્યું હતું. જુલાઈ ૨૦૨૫માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને રાજ્યસભામાં નૉમિનેટ કર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની હિંમત અને સંઘર્ષની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી.