બીજેપીએ નૅશનલ એક્ઝિક્યુટિવની યાદી જાહેર કરી : મેનકા-વરુણની બાદબાકી

08 October, 2021 09:14 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ કાર્યવાહક સમિતિમાં ૮૦ નિયમિત સભ્યો ઉપરાંત ૫૦ આમંત્રિતો અને ૧૭૯ કાયમી સભ્યોને પણ સ્થાન અપાયું છે

ફાઈલ તસવીર

બીજેપી પ્રમુખ જે. પી. નડ્ડાએ ગુરુવારે પાર્ટીના ૮૦ નૅશનલ એક્ઝિક્યુટિવની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણી, મુરલી મનોહર જોષી અને કેટલાક કેન્દ્રીય મંત્રીઓ સહિત પક્ષના ઘણા મોટા નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે.

જોકે સરકારના કૃષિકાયદાના વિરોધમાં થઈ રહેલા ખેડૂત આંદોલનમાં ખેડૂતો પ્રત્યે સંવેદના પ્રગટ કરનારા બીજેપીના સંસદસભ્ય વરુણ ગાંધી, તેમનાં માતા મેનકા ગાંધી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી બિરેન્દર સિંહનું નામ નૅશનલ એક્ઝિક્યુટિવની યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું છે.

આ કાર્યવાહક સમિતિમાં ૮૦ નિયમિત સભ્યો ઉપરાંત ૫૦ આમંત્રિતો અને ૧૭૯ કાયમી સભ્યોને પણ સ્થાન અપાયું છે. આ સમિતિ મીટિંગ યોજીને સરકાર સામે ઊભા થયેલા પડકારો વિશે ચર્ચા કરે છે અને પક્ષના એજન્ડાને આકાર આપે છે. કોવિડ-19ની પરિસ્થિતિને કારણે ઘણા લાંબા સમયથી બેઠક મળી શકી ન હતી.

અમિત શાહ, રાજનાથ સિંહ અને નવા નિમાયેલા અશ્વિની વૈષ્ણવ જેવા હાલના કેન્દ્રીય મંત્રીઓને આ યાદીમાં સ્થાન મળ્યું છે. તો હર્ષવર્ધન, રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકર વગેરે નેતાઓએ તેમનું સ્થાન જાળવી રાખ્યંથ છે.

national news bharatiya janata party