અડવાણીજીએ આખરે પ્રૉમિસ પાળ્યું

09 December, 2011 08:26 AM IST  | 

અડવાણીજીએ આખરે પ્રૉમિસ પાળ્યું



બીજેપી (ભારતીય જનતા પક્ષ)ના તમામ સંસદસભ્યો આજે સંસદમાં પોતપોતાનાં ગૃહોમાં એવું ઘોષણાપત્ર આપશે કે તેમનું કોઈ જ વિદેશી બૅન્કમાં કે પછી ટૅક્સ-મુક્તિ આપતાં સ્થળોએ કાળું નાણું જમા કરાવવા માટે ગેરકાનૂની ખાતું નથી. બીજેપીના નેતા લાલકૃષ્ણ અડવાણીએ બ્લૅક મની અને ભ્રષ્ટાચારનો વિરોધ કરવા માટેની બહુચર્ચિત જનચેતના યાત્રાના ૨૦ નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં થયેલા સમાપન વખતે જાહેરાત કરીને વાયદો કર્યો હતો કે તેમના પક્ષનો દરેક સંસદસભ્ય એવું ઘોષણાપત્ર આપશે કે તેમનું કોઈ જ વિદેશી બૅન્કમાં કે પછી ટૅક્સ-મુક્તિ આપતાં સ્થળોએ કાળું નાણું જમા કરાવવા માટે કોઈ ગેરકાનૂની ખાતું નથી.

બીજેપીના રાજ્યસભાના ડેપ્યુટી લીડર એસ. એસ. અહલુવાલિયાએ કહ્યું હતું કે ‘અમારા સંસદસભ્યોએ તેમના ગૃહના વિરોધપક્ષના મુખ્ય નેતાને તેમનાં ઘોષણાપત્ર સોંપી દીધાં છે. આજે ‘વલ્ર્ડ ઍન્ટિ-કરપ્શન ડે’ છે અને આજના દિવસે સુષમા સ્વરાજ લોકસભાની મુખ્ય કચેરીમાં અને અરુણ જેટલી વિધાનસભાની મુખ્ય કચેરીમાં આ તમામ સંસદસભ્યોનાં ઘોષણાપત્ર જમા કરાવી દેશે.’

મુખ્ય વિરોધપક્ષ બીજેપી ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીના સમયથી કાળાં નાણાંના મુદ્દાની ચર્ચા કરી રહ્યો છે. એ સમયે વડા પ્રધાન મનમોહન સિંહે દાવો કર્યો હતો કે ચૂંટણી પછી તેમની સરકાર સત્તામાં આવ્યા બાદ

૧૦૦ દિવસમાં જ આ મુદ્દાનો ઉકેલ લાવી દેશે. વિકીલીક્સ નામની વિવાદાસ્પદ સાઇટના સ્થાપક જુલિયન અસાન્જે પણ પોતાની સાઇટ પર દાવો કર્યો હતો કે તે એકાદ વર્ષમાં વિદેશી બૅન્કોમાં કાળું નાણું સંતાડવા માટે અકાઉન્ટ ધરાવતા કેટલાક ભારતીયોનાં નામ જાહેર કરશે.