29 March, 2023 11:56 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સંસદસભ્ય પૂનમ મહાજનની ૧૦ વર્ષની દીકરી અવિકાએ વડા પ્રધાન સાથે મુલાકાત બાદ કહી આ વાત
બીજેપીની સંસદસભ્ય અને પોતાની મમ્મી પૂનમ મહાજન તેમ જ પપ્પા, ભાઈ અને નાનીમા સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હીના તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા બાદ ૧૦ વર્ષની અવિકા રાવનો દિવસ ખૂબ જ ઉત્કૃષ્ટ રહ્યો હતો. વડા પ્રધાન મોદી માટે હાથ બનાવટની ભેટ તૈયાર કરવામાં અવિકાને પૂરા બે દિવસ લાગ્યા હતા. અવિકાએ મોદીજીના દિલ્હીના ઘરમાં જોયેલા મોરના ફોટોના આધારે વડા પ્રધાન માટે હાથેથી મોરનું ચિત્ર દોરીને કાર્ડ તૈયાર કર્યું હતું. મોદીજીને તે પોતાના ‘આજોબા’ માને છે. મરાઠીમાં આજોબા એટલે દાદા. અવિકાએ તેમના માટે વિશે સંદેશ પણ લખ્યો હતો.
આ મુલાકાત દરમ્યાન વડા પ્રધાને પૂનમ મહાજનનાં બાળકો સાથે ઘણી વાતો કરી હતી, જેમાં તેમના પુત્રને ઘોડેસવારીના અનુભવ વિશે તો અવિકા સાથે બંને ભાઈબહેનની લડાઈ વિશે વાત કરી હતી. સામાન્યપણે શરમાળ અવિકાએ વડા પ્રધાન સામે તેના ભાઈ આધ્યની ફરિયાદ કરવા ઉપરાંત પણ ઘણી વાતો કરી હતી.
અવિકાને સૌથી વધુ આનંદ વડા પ્રધાને તેના નામનો અર્થ સમજાવ્યો ત્યારે થયો હતો. પરિવારજનોએ તેના નામનો અર્થ સૂર્યોદય ગણાવ્યો હતો, જ્યારે કે મોદીએ તેનું નામ ગુજરાતના અંબાજી મંદિરમાં બિરાજતાં દેવી અંબા પરથી છે એમ જણાવતાં અવિકાએ પરિવાર સાથે અંબાજીનાં દર્શન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અવિકાના મતે વડા પ્રધાન મોદી તેના નાના પ્રમોદ મહાજનના મિત્ર અને અત્યાર સુધીમાં મળેલા સૌથી કૂલેસ્ટ પર્સન છે.