હરિયાણા પણ કૉન્ગ્રેસમુક્ત : BJPને ૯૦માંથી ૪૭ સીટ

20 October, 2014 04:01 AM IST  | 

હરિયાણા પણ કૉન્ગ્રેસમુક્ત : BJPને ૯૦માંથી ૪૭ સીટ



મહારાષ્ટ્ર અને હરિયાણાને કૉન્ગ્રેસમુક્ત કરીને એકલા હાથે વિધાનસભાની ચૂંટણીઓ જીતી લેવા મેદાને પડેલી BJPને મહારાષ્ટ્રમાં ધારી સફળતા નથી મળી, પરંતુ હરિયાણામાં એણે બમ્પર જીત મેળવી છે. હરિયાણા વિધાનસભાની કુલ ૯૦ સીટોમાંથી BJPને ૪૭ સીટો પર ઝળહળતો વિજય મળ્યો છે અને પહેલી વાર હરિયાણામાં BJPની સરકાર રચાશે. આ પહેલાં ૧૯૮૭માં BJPને હરિયાણામાં ગઠબંધન અંતર્ગત ૨૦ સીટો મળી હતી એમાંથી એ ૧૬ સીટ જીતી હતી એના કરતાંયે આ વખતે એને જ્વલંત વિજય મળ્યો છે. એ કરતાંયે વધુ તો ૧૦ વર્ષથી જામેલી કૉન્ગ્રેસની ભૂપિન્દર હૂડાની સરકારને ભૂંડી રીતે હરાવી એનો BJPને વધુ આનંદ છે.

૨૦૦૯ની ચૂંટણીમાં હરિયાણામાં BJPને માત્ર ચાર જ સીટ મળી હતી અને આ વખતે સીધી ૪૭ સીટ મળી એનો યશ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યો છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોમાં વિશેષતા એ છે કે કુલ ૯૦ સીટોમાંથી પહેલી વાર ૧૩ સીટો પર મહિલાઓ જીતી છે અને માત્ર ૨૦ વિધાનસભ્યો જ ફરીથી ચૂંટાયા છે એટલે કે નવી વિધાનસભામાં ૭૦ વિધાનસભ્યો પહેલી વાર ચૂંટાયા છે.

હરિયાણા વિધાનસભાની કુલ ૯૦ સીટમાંથી કઈ પાર્ટીને કેટલી સીટ?

પાર્ટી

સીટ

BJP

૪૭

ઇન્ડિયન નૅશનલ લોકદળ

૧૯

કૉન્ગ્રેસ

૧૫

હરિયાણા જનહિત કૉન્ગ્રેસ

૦૨

શિરોમણિ અકાલી દળ

૦૧

બહુજન સમાજ પાર્ટી

૦૧

અપક્ષ

૦૫ 



એશિયાનાં સૌથી રિચેસ્ટ મહિલા સાવિત્રી જિંદલ હરિયાણામાં હાર્યા


‘ફૉર્બ્સ’ની યાદી પ્રમાણે એશિયાનાં સૌથી રિચેસ્ટ મહિલા સાવિત્રી જિંદલ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયાં છે. સ્ટીલ, પાવર અને માઇનિંગ ફીલ્ડમાં કાર્યરત ઓ. પી. જિંદલ બિઝનેસ ગ્રુપનાં નૉન-એક્ઝિક્યુટિવ ચૅરપર્સન અને હવે હારી ગયેલી હરિયાણાની કૉન્ગ્રેસની ભુપિન્દર સિંહ હુડા સરકારમાં મિનિસ્ટર સાવિત્રીદેવી BJPના ઉમેદવાર ડૉ. કમલ ગુપ્તા સામે ૧૩,૬૪૬ મતથી હાર્યા છે. સાવિત્રીદેવી કૉન્ગ્રેસના ભૂતપૂર્વ સંસદસભ્ય અને જાણીતા બિઝનેસમૅન નવીન જિંદલનાં મમ્મી છે.   

સુષમા સ્વરાજનાં બહેન વંદના શર્માને હરાવીને અપક્ષે BJPને આપ્યો ઝાટકો


હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૧૩૫૧ ઉમેદવારોમાંથી ૫૧૩ અપક્ષ હતા, એમાંથી માત્ર પાંચ ઉમેદવારો ચૂંટણીનો જંગ જીતી શક્યા છે, જ્યારે ૫૦૮ અપક્ષ ઉમેદવારો મોદી-લહેરમાં તણાઈ ગયા છે. હરિયાણામાં બહુકોણીય ચૂંટણીજંગમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક પાર્ટીઓની તાકાત સામે ટકી ગયેલા પાંચ અપક્ષ ઉમેદવારોમાં કાલાયતની સીટ પર ભાઈ જયપ્રકાશ, પુનહાનાની સીટ પર રહિશ ખાન, પુંદરીની સીટ પર દિનેશ કૌશિક, સામલખાની સીટ પર રવિન્દર મછરૌલી અને સાફિદોનની સીટ પર જસબીર દેસવાલનો સમાવેશ છે. દેસવાલ કેન્દ્રનાં મિનિસ્ટર સુષમા સ્વરાજનાં બહેન અને BJPનાં ઉમેદવાર વંદના શર્માને ૧૪૨૨ વોટથી હરાવીને જાયન્ટ કિલર સાબિત થયાં છે. હરિયાણાની છેલ્લી વિધાનસભામાં ૭ અપક્ષ વિધાનસભ્યો હતા.