19 April, 2025 03:54 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
પશ્ચિમ બંગાળના દિગ્ગજ નેતા દિલીપ ઘોષે ગઈ કાલે ૬૦ વર્ષની ઉંમરે ૫૧ વર્ષની રિન્કુ મઝુમદાર સાથે સાદાઈથી લગ્ન કર્યાં હતાં.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના પશ્ચિમ બંગાળના દિગ્ગજ નેતા દિલીપ ઘોષે ગઈ કાલે ૬૦ વર્ષની ઉંમરે ૫૧ વર્ષની રિન્કુ મઝુમદાર સાથે સાદાઈથી લગ્ન કર્યાં હતાં. તેમના ઘરે આયોજિત આ લગ્નસમારોહમાં માત્ર ખાસ આમંત્રિતોને બોલાવવામાં આવ્યા હતા. તેઓ ૧૯ વર્ષની વયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં જોડાયા હતા અને લગ્ન કરવાથી દૂર રહ્યા હતા, પણ મમ્મીના આગ્રહને તેઓ ટાળી શક્યા નહોતા.
દિલીપ ઘોષનાં પત્ની રિન્કુ મઝુમદાર ૨૦૧૩થી BJPનાં કાર્યકર છે અને તેમણે પાર્ટીમાં વિવિધ પદે કામ કર્યું છે. રિન્કુ મઝુમદારનાં આ બીજાં લગ્ન છે, અગાઉ તેમના છૂટાછેડા થયા છે. તેમને એક પુત્ર છે જે કલકત્તાના સૉલ્ટ લેક સિટીમાં એક ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી કંપનીમાં કામ કરે છે.
દિલીપ ઘોષે લગ્નની ના પાડી તો રિન્કુ મઝુમદારે તેમની મમ્મીને મનાવી લીધાં
લગ્ન વિશે વાતચીત કરતાં રિન્કુ મઝુમદારે કહ્યું હતું કે ‘હું ૨૦૧૩થી પાર્ટી-કાર્યકર છું. બ્લૉક લેવલે કામ કરતી હતી ત્યારે દિલીપ ઘોષ સાથે કદી વાતચીત થઈ નહોતી. આમેય બ્લૉક લેવલના કાર્યકરો સંસદસભ્ય કે વિધાનસભ્ય સાથે ઓછા સંપર્કમાં હોય છે. ૨૦૨૧માં ચૂંટણી વખતે અમારી સામાન્ય વાતચીત થઈ હતી. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં દિલીપ ઘોષ પરાજિત થયા બાદ હું તેમને નિયમિત મળતી હતી. નેતા ચૂંટણી હારી જાય પછી તેને મળવા આવતા લોકો ઘટી જાય છે. મેં એવી વ્યક્તિ સાથે ફરી લગ્ન કરવાનું વિચાર્યું હતું જે મને રાજકીય કરીઅરમાં આગળ વધવા દે અને એ ન્યુ ટાઉનમાં જ રહેતી હોય. આ રીતે દિલીપ ઘોષ યોગ્ય મુરતિયો હતા, પણ તેમણે મને ના પાડી દીધી હતી. પછી હું તેમની મમ્મીને મળી અને તેમને આગ્રહ કર્યો. મમ્મીના આગ્રહ સામે તેઓ ઝૂકી ગયા હતા અને લગ્ન કરવા તૈયાર થયા હતા.’