BJP ભલે પોતાની પીઠ થાબડે, પણ બન્ને રાજ્યોમાં ઘટ્યો છે એનો વોટ-શૅર

24 December, 2014 05:32 AM IST  | 

BJP ભલે પોતાની પીઠ થાબડે, પણ બન્ને રાજ્યોમાં ઘટ્યો છે એનો વોટ-શૅર




ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં પોતાના દેખાવ માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ ભલે રાજીપો જાહેર કર્યો હોય અને જીતનું શ્રેય વડા પ્રધાનને આપ્યું હોય, પણ હકીકત એ છે કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારની રચનાના માત્ર છ મહિનામાં આ બન્ને રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં BJPનો વોટ-શૅર ઘટ્યો છે.

આ બન્ને રાજ્યોમાં BJPએ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડી હતી અને BJPને એમ હતું કે લોકો નરેન્દ્ર મોદીના નામે મત આપશે, પણ જમ્મુ-કાશ્મીરના હિન્દુ બાહુલ્યવાળા વિસ્તારોમાં પણ BJPને લોકસભાની સરખામણીએ વિધાનસભાની આ ચૂંટણીમાં ઓછા મતો મળ્યા છે.

લોકસભાની ચૂંટણીમાં જમ્મુ-કાશ્મીરની કુલ છ બેઠકોમાંથી ત્રણ પર BJPનો વિજય થયો હતો અને કુલ ૩૨ ટકા મતો એને મળ્યા હતા, પણ ગઈ કાલે જાહેર થયેલા વિધાનસભા ચૂંટણીના પરિણામમાં BJPનો વોટ-શૅર ઘટીને ૨૩ ટકા થઈ ગયો છે. જમ્મુ-કાશ્મીરમાં સૌથી વધુ વોટ મેળવનારી પાર્ટી BJP બની છે એવું આશ્વાસન પક્ષના વડા અમિત શાહ લઈ શકે છે.

ઝારખંડમાં છ મહિના પહેલાં લોકસભાની ચૂંટણી વખતે BJP ૫૪ વિધાનસભા ક્ષેત્રોમાં વોટ-શૅરની દૃષ્ટિએ નંબર વન પાર્ટી બની હતી. એને ૪૧ ટકા વોટ મળ્યા હતા અને ૧૪માંથી ૧૨ બેઠકો જીતી હતી. નરેન્દ્ર મોદીએ જોરદાર પ્રચાર કર્યો હોવા છતાં નવ ટકા મતદારો આ વખતે BJPને છોડીને અન્યત્ર ચાલ્યા ગયા છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં BJPને ૩૨ ટકા મતો મળ્યા છે. જોકે જમ્મુ-કાશ્મીરની માફક ઝારખંડમાં પણ આગલી વિધાનસભા ચૂંટણીની સરખામણીએ આ વખતે BJPનો વોટ-શૅર વધ્યો છે.