Rahul Gandhi In Cambridge: ભાજપ દેશમાં કેરોસીન છાંટવાનું કામ કરી રહી છે: રાહુલ ગાંધી

21 May, 2022 04:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાહુલે ટ્વિટર પર આ ઇવેન્ટની તસવીરો પણ શેર કરી છે

તસવીર સૌજન્ય: રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં બ્રિટનમાં છે. શુક્રવાર 20 મેના રોજ, તેમણે લંડનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ‘ભારત માટેના વિચારો’ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ દરમિયાન કહ્યું કે “ભારતમાં લોકશાહી વૈશ્વિક જનહિત છે. આપણે જ એવા લોકો છીએ જેમણે લોકશાહીને અપ્રતિમ ધોરણે સંચાલિત કરી છે.”

રાહુલે ટ્વિટર પર આ ઇવેન્ટની તસવીરો પણ શેર કરી છે. આમાં રાહુલ વિપક્ષી નેતાઓ, આરજેડીના તેજસ્વી યાદવ, મનોજ ઝા, ટીએમસીના મહુઆ મોઇત્રા અને સીપીઆઈ(એમ)ના સીતારામ યેચુરી સાથે ઊભા છે. રાહુલે ટ્વીટ કર્યું કે “લંડનમાં #IdeasForIndia કોન્ફરન્સમાં વિવિધ વિષયો પર સમૃદ્ધ આદાનપ્રદાન જોવા મળ્યું.”

કેન્દ્ર સરકાર પર હુમલો

આ દરમિયાન રાહુલે કેન્દ્ર સરકાર પર CBI જેવી સંસ્થાઓના દુરુપયોગનો આરોપ લગાવતા ભારતની તુલના પાકિસ્તાન સાથે કરી છે. આરએસએસ પર કટાક્ષ કરતા રાહુલે કહ્યું કે “તેમના માટે ભારત સોનાનું પંખી છે અને કર્મના આધારે પોતાનો હિસ્સો વહેંચવા માગે છે, જેમાં દલિતો માટે કોઈ સ્થાન નથી.” આ સિવાય રાહુલ ગાંધીએ કોંગ્રેસની હાર માટે ધ્રુવીકરણ અને મીડિયા નિયંત્રણને જવાબદાર ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે “આરએસએસે લોકોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. કોંગ્રેસ અને વિપક્ષી દળોએ પણ આવું જ કરવું જોઈએ અને 60-70% લોકોને એક થવું જોઈએ જે તેમને મત નથી આપતા.”

યુક્રેનની તુલના લદ્દાખ અને ડોકલામ સાથે

આ દરમિયાન રાહુલ ગાંધીએ યુક્રેનની તુલના ભારતના લદ્દાખ અને ડોકલામ સાથે કરી હતી અને કહ્યું હતું કે “બંને જગ્યાએ ચીની સેના ભારતીય સરહદની અંદર બેઠી છે. જો ચીન ત્યાં બાંધકામ કરી રહ્યું છે તો તે કોઈ તૈયારી માટે કરી રહ્યું છે, પરંતુ સરકાર તેની વાત કરતી નથી. હું ચિંતિત છું કારણ કે હું યુક્રેન જેવી સ્થિતિ જોઈ રહ્યો છું.” રાહુલે દાવો કર્યો હતો કે એક ખાનગી વાતચીતમાં વિદેશ મંત્રી જયશંકરે પણ તેમના દૃષ્ટિકોણને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.

આ પહેલા આર્થિક નીતિઓ પર બોલતા રાહુલે કહ્યું હતું કે “1991ના વિચારો આજે નહીં ચાલે. 2012માં જ્યારે મેં વડાપ્રધાન મનમોહન સિંહને પૂછ્યું તો તેમણે પણ કહ્યું કે આપણે નવી દુનિયામાં આવ્યા છીએ જ્યાં જૂની રીતો કામ કરતી નથી. પીએમ મોદીએ પણ એ જ આર્થિક નીતિઓનો વિસ્તાર કર્યો જ્યારે તે મૃત અભિગમ છે.” રાહુલ ગાંધીએ કહ્યું કે “આપણા દેશમાં કોમ્યુનિકેશનનો અભાવ છે. વડાપ્રધાન સાંભળતા નથી. કેટલાક અધિકારીઓએ કહ્યું કે રાજ્ય વિભાગમાં ફેરફાર થયો છે, કોઈનું સાંભળવામાં આવતું નથી.”

રાહુલનો ભાજપ પર જોરદાર પ્રહાર

આ દરમિયાન રાહુલ ગાંધીએ પણ ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે “કોંગ્રેસ પહેલાં જેવું ભારત મેળવવા માગે છે, જેના માટે તે લડી રહી છે. સાથે જ ભાજપ તેમનો અવાજ દબાવી રહ્યું છે.” તેમણે કહ્યું કે “દેશ જે સંસ્થાઓએ દેશનું નિર્માણ કર્યું છે તેના પર હુમલાઓ થઈ રહ્યા છે.” તમને જણાવી દઈએ કે, આ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીની સાથે સીતારામ યેચુરી, સલમાન ખુર્શીદ, તેજસ્વી યાદ સહિત અનેક વિપક્ષી નેતાઓએ હાજરી આપી હતી.

national news rahul gandhi congress bharatiya janata party