નાની-મોટી ૭૫૦ રૅલી કરશે BJP

04 October, 2014 04:06 AM IST  | 

નાની-મોટી ૭૫૦ રૅલી કરશે BJP



રવિકિરણ દેશમુખ

અઢી દાયકા જૂની શિવસેના-BJPની મહાયુતિના વિસર્જન બાદ હવે શિવસેનાના મરાઠીતરફી વલણને ધ્યાનમાં લઈને BJPએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ખૂબ ગંભીરતાથી લીધી છે અને કોઈ જ ચાન્સ લેવા નથી માગતી એવું જણાઈ રહ્યું છે. કદાચ એટલે જ BJPએ લોકસભાની ચૂંટણીમાં સુપરસ્ટાર પ્રચારક સાબિત થયેલા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની રાજ્યમાં ૨૪ રૅલીઓ પ્લાન કરી છે જેમાંથી મુંબઈમાં ત્રણ અને થાણેમાં બે રૅલીઓ થશે. ૧૫ ઑક્ટોબરે મતદાન હોવાથી આજથી જ મોદીની મહા-ટૂર શરૂ થશે અને ૧૨ ઑક્ટોબર સુધીમાં નરેન્દ્ર મોદી ૨૪ રૅલીઓથી મહારાષ્ટ્રભરમાં પાર્ટીના પ્રચાર માટે ફરી વળશે. મોદીની જેમ BJPના ચીફ અમિત શાહ પણ સંખ્યાબંધ રૅલીઓ કરવાના છે.

નવ દિવસની મોદીની આ મહારાષ્ટ્ર-ટૂરની શરૂઆત આજે મરાઠવાડાના બીડ અને ઔરંગાબાદ પછી મુંબઈમાં સાંજે સાડાછ વાગ્યે મહાલક્ષ્મી રેસર્કોસ મેદાનમાં પહેલી રૅલીથી થશે. મુંબઈમાં મોદીની અન્ય બે રૅલી નવ અને બાર ઑક્ટોબરે થશે જેમાંથી એક ઘાટકોપરમાં થવાની શક્યતા છે. મોદીની મહા-ટૂરની રસપ્રદ વાત એ છે કે તેઓ ફ્ઘ્ભ્ના ચીફ શરદ પવારના મજબૂત ગઢ માનવામાં આવતા બારામતીમાં પણ એક રૅલી કરવાના છે. BJPના નેતાઓના જણાવ્યા પ્રમાણે શરદ પવારના ગઢમાં રૅલી કરીને નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્તરના પહેલા ટોચના નેતા બની રહેશે. આમેય કૉન્ગ્રેસ અને શિવસેના સતત એવું કહી રહી છે કે ચૂંટણી બાદ રાજ્યમાં સત્તા માટે BJP પવારની પાર્ટીનો સાથ લેશે. કદાચ બારામતીમાં રૅલી કરીને BJP આવી શક્યતાઓને નેસ્તનાબૂદ કરવાનો પ્રયાસ કરશે.

શિવસેનાને જોરદાર જવાબ

મહાયુતિનો ધી એન્ડ આવ્યા બાદ શિવસેનાએ BJPએ દગો કર્યા સુધીના આક્ષેપો કરીને એને બહારની પાર્ટી સુધ્ધાં ગણાવી હતી અને અન્ય પાર્ટીઓએ જે રીતે પ્રચાર આદર્યો છે એને ધ્યાનમાં લઈને પ્રદેશ BJPએ આટલા મોટા પ્રમાણમાં પ્રાઇમ મિનિસ્ટર સહિતના જાણીતા લીડર્સની પબ્લિક રૅલીઓનો પ્લાન કર્યો છે. જોકે પાર્ટીના એક સિનિયર નેતાએ દાવો કર્યો હતો કે અમારી જૂની સાથીદાર પાર્ટીની ટીકાને ધ્યાનમાં લઈને આ પ્રચાર પ્લાન નથી કરવામાં આવ્યો અને પાર્ટી ચૂંટણીમાં કાસ્ટ અને પ્રદેશના નામે થતા પ્રચારને ખાળવા સોશ્યલ મીડિયા અને પબ્લિક-રૅલીઓ દ્વારા સિસ્ટમૅટિક કૅમ્પેન કરશે.
 
BJPની ફોજ અને ૭૫૦ રૅલીઓ

BJPએ રાજ્યમાં વિધાનસભાની તમામ ૨૮૮ સીટ માટે પ્રત્યેક સીટદીઠ સરેરાશ લગભગ ત્રણ લેખે નાની-મોટી મળીને ૭૫૦ રૅલીઓનું આયોજન કર્યું છે. આ રૅલીઓમાં પ્રાઇમ મિનિસ્ટર ઉપરાંત કેન્દ્રના સંખ્યાબંધ મિનિસ્ટરો, BJP શાસિત રાજ્યોના ચીફ મિનિસ્ટરો તેમ જ લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા પીઢ નેતાઓ પણ ભાગ લેશે. પાર્ટીના એક નેતાએ કહ્યું હતું કે આ મહાપ્રચાર છતાં અમે માનીએ છીએ કે મોદીની રૅલીઓથી પાર્ટીને મોટો ફરક પડશે.બીજા શબ્દોમાં કહી શકાય કે BJPએ શિવસેના સાથેનો નાતો તોડવાનું અગાઉથી જ નક્કી કરી લીધું હતું, પરંતુ એ ખૂબ મોડેથી શક્ય બન્યું હતું એના કારણે છેલ્લી ઘડીએ સક્ષમ ઉમેદવારો શોધવામાં અને તેમને સારી રીતે ઉમેદવારી ફૉર્મ ભરાવવામાં અને અન્ય નાની પાર્ટીઓ સાથે સીટ-શૅરિંગમાં તેમ જ કેટલાક નેતાઓની પાર્ટીમાં આવન-જાવનના કારણે સમય વેડફાયો હતો.

હર-સીટ મોદી

પાર્ટીના એક નેતાએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર અને હરિયાણા એમ બે રાજ્યોમાં એકસાથે ચૂંટણી છે અને બન્ને રાજ્યોમાં પાર્ટીને જીત અપાવવા મોદી ૪થી ૧૨ ઑક્ટોબર વચ્ચે રોજની ત્રણ લેખે લગભગ ૨૭ રૅલી કરવાના છે. એમાંથી ૨૪ મહારાષ્ટ્રમાં હોવાથી પ્રાઇમ મિનિસ્ટર રાજ્યના ખૂણે-ખૂણે ફરી વળશે.