રાજસ્થાનમાં વસુંધરાનું રાજ

09 December, 2013 07:00 AM IST  | 

રાજસ્થાનમાં વસુંધરાનું રાજ




પાંચ વર્ષ પહેલાં ગ્થ્ભ્માં આંતરિક જૂથબંધીને કારણે સત્તા ગુમાવનારાં વસુંધરા રાજે ગઈ કાલે ફરી રાજસ્થાનનાં મહારાણી બન્યાં હતાં. ગ્વાલિયરના રાજવી પરિવારનાં પુત્રી અને રાજસ્થાનમાં પરણેલાં ૬૦ વર્ષનાં વસુંધરા રાજેએ ગઈ કાલે રાજ્યમાં પાર્ટીની જીતનું શ્રેય નરેન્દ્ર મોદીને આપ્યું હતું. મોદીએ રાજસ્થાનમાં અનેક સભાઓને સંબોધીને લોકોને આકષ્ર્યા હતા. વસુંધરાને મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર બનાવવામાં મોદીનો પણ આડકતરો ફાળો હતો.

વસુંધરાનો રાજકીય વટ

વસુંધરા રાજેના સમર્થકો તેમને હિંમતવાન અને નક્કર કામગીરમાં માનતાં આખાબોલાં નેતા માને છે, જ્યારે તેમના વિરોધીઓ તેમને વ્યક્તિગત ગમા-અણગમાઓને ધ્યાનમાં લઈને નિર્ણય લેતાં અક્ષમ નેતા ગણે છે. જોકે વિજયારાજે સિંધિયાનાં પુત્રી અને કૉન્ગ્રેસનાં સ્વર્ગીય નેતા માધવરાવ સિંધિયાનાં બહેન વસુંધરા રાજે રાજસ્થાનની જનતાના મૂડ પર સારી પકડ ધરાવે છે. તેઓ ૩૦ વર્ષની રાજકીય કારકિર્દીમાં અત્યાર સુધીમાં ત્રણ વખત વિધાનસભાની ચૂંટણી જીત્યાં છે, જ્યારે પાંચ વખત લોકસભાની ચૂંટણી જીત્યાં હતાં.

ઇંગ્લિશ-સ્પીકિંગ મહારાણી

૧૯૮૪માં રાજસ્થાનમાં BJPનાં યુવા મોરચાનાં ઉપ-પ્રમુખ બનેલાં વસુંધરા રાજે એ પછીના વર્ષે પહેલી વાર વિધાનસભામાં ચૂંટાયાં હતાં. એ પછી તેમનો સતત રાજકીય વિકાસ થતો રહ્યો હતો. વિરોધીઓ જેમને ઇંગ્લિશ સ્પીકિંગ મહારાની તરીકે ઓળખે છે એવાં વસુંધરા રાજે ૨૦૦૩માં પહેલી વાર રાજ્યનાં મુખ્ય પ્રધાન બન્યાં હતાં. જોકે પાર્ટીમાં આંતરિક વિખવાદોને કારણે ૨૦૦૮ની વિધાનસભાની ચૂંટણીમાં BJPનો શરમજનક પરાજય થયો હતો એ પછી વિખવાદો વકરતાં વસુંધરાએ વિરોધ પક્ષના નેતાપદેથી પણ ખસી જવું પડ્યું હતું. એક તબક્કે તેમણે પાર્ટી છોડવાની ધમકી આપી હતી, પણ ત્યાર બાદ અડવાણી સહિતના સિનિયર નેતાઓએ તેમને મનાવી લીધાં હતાં. આ વર્ષની શરૂઆતમાં વસુંધરાએ રાજ્યભરમાં ૨૮ દિવસની યાત્રા કરીને લોકોનાં દિલ જીતી લીધાં હતાં. આ યાત્રાની સફળતાને કારણે જ પાર્ટીએ તેમને ફરી મુખ્ય પ્રધાનપદનાં ઉમેદવાર બનાવ્યાં હતાં. મુંબઈ યુનિવર્સિટીમાંથી ઇકૉનૉમિક્સ અને પૉલિટિકલ સાયન્સની ડિગ્રી ધરાવતાં વસુંધરાના માથે ફરી રાજસ્થાનનો તાજ મુકાયો છે ત્યારે હવે તેમને માથે આવતા વર્ષે મોદીને વડા પ્રધાન બનાવવા રાજ્યમાં પાર્ટીને સૌથી વધુ બેઠકો અપાવવાની જવાબદારી આવશે.  

BJPના દુષ્પ્રચારને કારણે અમે હાર્યા : અશોક ગેહલોત

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ગઈ કાલે રાજ્યમાં પાર્ટીના શરમજનક પરાજય બાદ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે અમારી પાર્ટીએ રાજ્યમાં સારો વહીવટ આપ્યો હતો તથા સરકારની યોજનાઓ સફળ થઈ હતી, પણ BJPએ આ યોજનાઓ તથા સરકારની કામગીરી વિશે દુષ્પ્રચાર કરીને લોકોને ગેરમાર્ગે ર્દોયા હતા. ગઈ કાલે જયપુરમાં પત્રકારો સાથે વાત કરતાં ગેહલોતે જણાવ્યું હતું કે ‘અમે રાજ્યમાં વિકાસને મુદ્દો બનાવ્યો હતો. અમારું ફોકસ સરકારની કામગીરી પર હતું. અમારી યોજનાઓ એટલી સારી હતી કે અન્ય રાજ્યના અધિકારીઓ એનો અભ્યાસ કરવા આવતા હતા, પણ BJPએ લોકોમાં આ યોજનાઓ વિશે ખોટી માહિતી ફેલાવી હતી. વસુંધરા રાજેએ પોતાના નહીં, મોદીના નામે વોટ માગ્યા હતા એથી રાજસ્થાનમાં જીત રાજેની નથી.’