સંસદ બાકીના દિવસ પણ ચાલે એવી શક્યતા ઓછી

04 September, 2012 05:27 AM IST  | 

સંસદ બાકીના દિવસ પણ ચાલે એવી શક્યતા ઓછી

ચર્ચાસ્પદ કોલસા કૌભાંડને મુદ્દે હવે ચોમાસુ સત્રના બાકીના દિવસ પણ સંસદ ચાલે એવી કોઈ સંકેત નથી. ગઈ કાલે ચોમાસુ સત્રના છેલ્લા અઠવાડિયાના પહેલા દિવસે પણ વિપક્ષના હોબાળાને કારણે બન્ને ગૃહમાં કોઈ કામ થયું ન હતું. તો સરકારે પણ કોલસાની ૧૪૨ ખાણોની ફાળવણી તત્કાળ રદ કરવાની બીજેપીની માગણીને મનસ્વી ગણાવીને નકારી હતી.

એક મહિનો લાંબા ચોમાસુ સત્રના અંતિમ સપ્તાહનો ગઈ કાલથી પ્રારંભ થયો હતો. જોકે બન્ને ગૃહમાં બીજેપીના સભ્યોએ સરકારવિરોધી સૂત્રોચ્ચારો કરીને કામગીરી ખોરવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હોબાળા વચ્ચે સરકારે લોકસભામાં ત્રણ બિલ ચર્ચા વિના પસાર કરાવી લીધાં હતાં. જ્યારે રાજ્યસભામાં પણ સરકારે ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ બિલ પસાર કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ ડાબેરીઓના વિરોધ વચ્ચે એ પસાર થઈ શક્યું ન હતું.

અગાઉ બીજેપીએ પોતાનું વલણ કૂણું કરતાં ૧૪૨ કોલ લીઝ કૅન્સલ થશે તો સંસદ ચાલવા દેવામાં આવશે એવો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે ગઈ કાલે સરકારે બીજેપીની આ માગણી સ્વીકારવાની ના પાડી દીધી હતી. નાણાપ્રધાન ચિદમ્બરમે બીજેપીની ડિમાન્ડને મનસ્વી ગણાવતાં કહ્યું હતું કે આ રીતે કૉલ બ્લોક્સ રદ કરી શકાય નહીં આ માટેની ચોક્કસ પ્રક્રિયા છે જેનું પાલન થઈ રહ્યું છે. વડા પ્રધાન કાર્યાલયે કોલસાની ખાણોની ફાળવણી રદ કરવા માટે કોલસા મંત્રાલયને ૧૫ સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. કોલસા કૌભાંડના વિવાદમાં ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી પણ કૂદી પડ્યા હતા. તેમણે કહ્યું હતું કે યુપીએ સરકારના કોલસા૨૨ કૌભાંડને કારણે દેશની ઇમેજ કાળી થઈ છે.   

બીજેપી = ભારતીય જનતા પાર્ટી

યુપીએ  = યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ