BJPમાંથી રામ જેઠમલાણીની હકાલપટ્ટી

26 November, 2012 03:24 AM IST  | 

BJPમાંથી રામ જેઠમલાણીની હકાલપટ્ટી



ગઈ કાલે સાંજે બીજેપીએ આખા લાંબા વિવાદ પછી પક્ષમાંથી વિવાદાસ્પદ સિનિયર નેતા રામ જેઠમલાણીની હકાલપટ્ટી કરી નાખવાની જાહેરાત કરી છે. હકીકતમાં છેલ્લા ઘણા સમયથી તેઓ અલગ-અલગ મુદ્દે જાહેરમાં પોતાના જ પક્ષના વલણની ટીકા કરવા માટે ચર્ચામાં હતા જેને કારણે આખરે તેમને પક્ષમાંથી દૂર કરવાનો આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં બીજેપીએ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના ડિરેક્ટર તરીકે રણજિત સિંહની નિમણૂક કરવાના કૉન્ગ્રેસના વડપણ હેઠળની સરકારના નિર્ણયની ટીકા કરી હતી, પણ આ મામલે રામ જેઠમલાણીએ જાહેરમાં પક્ષની જ ટીકા કરીને એને શરમમાં મૂકી દીધો હતો.

આ પહેલાં પણ જ્યારે અરવિંદ કેજરીવાલે બીજેપીના પ્રેસિડન્ટ નીતિન ગડકરી સામે ભ્રષ્ટાચારના આરોપો મૂક્યા હતા ત્યારે રામ જેઠમલાણીએ પોતાના પક્ષના પ્રેસિડન્ટને ટેકો આપવાને બદલે તેમના રાજીનામાની માગણી કરીને મોટો વિવાદ ઊભો કર્યો હતો.

રામ જેઠમલાણીની હકાલપટ્ટીના મુદ્દે પક્ષના વલણની સ્પષ્ટતા કરતાં બીજેપીના પ્રવક્તા શાહનવાઝ હુસૈને કહ્યું છે કે ‘રામ જેઠમલાણીની કમેન્ટ્સને કારણે માત્ર કૉન્ગ્રેસને જ ફાયદો થતો હતો અને પક્ષ ક્યારેય આવી ગેરશિસ્ત ચલાવી શકે નહીં. આ કારણે પક્ષના પ્રેસિડન્ટ નીતિક ગડકરીએ તેમની તાકીદે હકાલપટ્ટી કરવાનો નિર્ણય કર્યો છે અને આની જાણ કરતો લેટર પક્ષની રાષ્ટ્રીય કારોબારીને મોકલી દેવામાં આવ્યો છે. આ નિર્ણય દ્વારા પક્ષે દરેક સભ્યને તેની મર્યાદા ન ઓળંગવાની ચીમકી આપી દીધી છે.’

નોંધનીય છે કે ગઈ કાલે જ રામ જેઠમલાણીએ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના ડિરેક્ટરની નિમણૂકના મામલામાં તેમના મત સામે પગલાં લેવાના પક્ષના નિર્ણયને જાહેરમાં પડકાર્યો હતો અને જો આવું થાય તો કાયદાકીય પગલાં લેવાની ધમકી પણ આપી હતી. નીતિન ગડકરીના રાજીનામાની માગણીના વિવાદનો સવાલ છે ત્યાં સુધી રામ જેઠમલાણીની આ માગણીને પક્ષના અન્ય સભ્યો યશવંત સિંહા અને શત્રુઘ્ન સિંહાએ પણ ટેકો આપ્યો હતો.