બર્ડ ફ્લુ ફેલાતાં પૉલ્ટ્રીઝમાં મંદી: ચીકનનો ભાવ અડધો

11 January, 2021 02:35 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બર્ડ ફ્લુ ફેલાતાં પૉલ્ટ્રીઝમાં મંદી: ચીકનનો ભાવ અડધો

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસના રોગચાળાને કારણે આર્થિક મંદીનો માહોલ છવાયો છે, એવામાં બર્ડ ફ્લુને કારણે મરઘાં ઉછેરના ધંધા પર આફત આવી છે. પૉલ્ટ્રી ઇન્ડસ્ટ્રીની એવી સ્થિતિ સર્જાઈ છે કે બજારમાં મરઘાં તથા એની અન્ય ઊપજોના ભાવનો કડાકો બોલી ગયો છે. મરઘાંનો ભાવ ઘટીને અડધો થઈ ગયો છે.

કોરોના રોગચાળામાં અન્ય વેપાર-ધંધાની માફક પૉલ્ટ્રીવાળાઓને પણ મંદીની પીડા થતી હતી. છેલ્લા કેટલાક મહિનામાં એ પીડામાંથી માંડ બેઠા થયા ત્યાં બર્ડ ફ્લુનો આતંક ફેલાયો છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં મરઘીઓની હેરફેર પર પ્રતિબંધ મુકાતાં સમસ્યા વધી છે. હાલના સંજોગોમાં રાહત અને સહાય મેળવવા માટે પૉલ્ટ્રી ઇન્ડસ્ટ્રીનું પ્રતિનિધિ મંડળ ગઈ કાલે કેન્દ્ર સરકારના અમલદારોને મળ્યું હોવાનું મનાય છે.

બર્ડ ફ્લુના કેસ હરિયાણા તથા અન્ય કેટલાંક રાજ્યોમાં જંગલમાં ફરતાં અને હિજરતી-સ્થળાંતરકારી પક્ષીઓમાં જોવા મળ્યા છે. એ ઉપરાંત પૉલ્ટ્રીમાંનાં બતકોમાં બર્ડ ફ્લુના થોડા કેસ મળ્યા છે. પૉલ્ટ્રી ફેડરેશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ રમેશ ખત્રીએ જણાવ્યું હતું કે  ‘છેલ્લા ચાર દિવસમાં મરઘાં તથા પૉલ્ટ્રી પ્રોડક્ટ્સની માગ ૭૦ ટકા ઘટી છે. વેચાણમાં ૭૦થી ૮૦ ટકાના ઘટાડા ઉપરાંત મરઘાંના ભાવ પણ ૫૦ ટકા ઘટ્યા છે. ઇંડાંના ભાવમાં પણ ૧૫થી ૨૦ ટકા ઘટાડો થયો છે. ૧૫ વર્ષ પૂર્વે એવિયન ઇન્ફ્લુએન્ઝાનો રોગચાળો પક્ષીઓમાં ફેલાયો હતો. ત્યાર પછી બર્ડ ફ્લુનો ભય ફેલાતાં ચિંતાજનક સ્થિતિ પેદા થઈ છે. આ સંજોગોમાં સરકારે પગલાં લેવા જરૂરી છે.’

national news