બિહારમાં નીતીશ કુમાર બદલશે સરકાર?

09 August, 2022 09:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જેડીયુના તમામ પ્રવક્તાને ચૂપ રહેવા જણાવાયું ઃ આજે આરજેડી અને જેડીયુના વિધાનસભ્યોની બેઠક, બીજેપીએ પણ પોતાના નેતાઓને દિલ્હી બોલાવ્યા

રવિવારે પટનામાંએક કાર્યક્રમ દરમ્યાન બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર

બિહારમાં નીતીશ કુમાર અને બીજેપીની સંયુક્ત સરકારમાં વધતા જતા મતભેદની અટકળો વચ્ચે આરજેડીએ તેમના તમામ વિધાનસભ્યોની આજે બેઠક બોલાવી છે. બીજેપીએ પણ પોતાના બિહારના નેતા શાહનવાઝ હુસેન અને રવિશંકર પ્રસાદને દિલ્હી બોલાવ્યા હતા. આરજેડી અને જેડીયુ ફરી પાછાં સાથે આવી શકે એવી શક્યતા છે. દરમ્યાન નીતીશ કુમારે કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને ફોન કર્યો હતો.

રવિવારે જેડી(યુ)ના નેતા રાજીવ રંજને કહ્યું કે મુખ્ય પ્રધાન નીતીશ કુમારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે નવી દિલ્હીમાં યોજાયેલી નીતિ આયોગની મીટિંગમાં હાજર ન રહીને પટનામાં યોજાયેલા અમુક કાર્યક્રમમાં ભાગ લેવા પાછળનું કારણ ૨૦૨૦ની ચૂંટણીમાં તેમને કદ પ્રમાણે વેતરી નાખવાનું કાવતરું જવાબદાર હતું. નીતીશ કુમારે આ અગાઉ વડા પ્રધાન મોદી દ્વારા નિવૃત્ત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના માનમાં રાખેલા ડિનરમાં તેમ જ તેમનાં અનુગામી દ્રૌપદી મુર્મુની શપથવિધિમાં પણ હાજરી આપી નહોતી. બીજેપીના પ્રધાને કહ્યું હતું કે આ એક ગંભીર પ્રશ્ન ઊભો થયો છે જેને ચર્ચા કરીને ઉકેલવામાં આવશે.

દરમ્યાન રાજ્યમાં વિવિધ પક્ષોની ગતિવિધિમાં વધારો થયો છે. આરજેડીએ એના વિધાનસભ્યોની ગઈ કાલે બેઠક બોલાવી હતી. તમામ વિધાનસભ્યો રાબડીદેવીના નિવાસસ્થાને મળશે. જેડીયુના પ્રદેશ અધ્યક્ષ ઉમેશ કુશવાહાએ બીજેપીના અધ્યક્ષ જેપી નડ્ડા પર પ્રાદેશિક પક્ષોને ખતમ કરવાના પ્રયાસનો આરોપ પણ મૂક્યો હતો. 

નીતીશ કુમાર માત્ર પોતાનો ફાયદો વિચારે છે : ચિરાગ પાસવાન

લોકજનશક્તિ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ ચિરાગ પાસવાને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારની ટીકા કરતાં કહ્યું હતું કે તેમણે માત્ર પોતાના ફાયદાનો વિચાર જ કર્યો છે. તેમણે નીતીશ કુમારના સાત નિશ્ચય કાર્યક્રમ પર સવાલ ઉઠાવતાં તેમને જાહેરમાં ચર્ચાનું આહ્વાન આપ્યું હતું. ચિરાગે કહ્યું હતું કે નીતીશે વિચારવું જોઈએ કે ઇતિહાસ એને કઈ રીતે યાદ કરશે. શું તેમને પલટુરામ તરીકે યાદ કરવામાં આવે એમ તેઓ ઇચ્છે છે.

બિહાર વિધાનસભામાં વિવિધ પક્ષોની સ્થિતિ

એનડીએ
બીજેપી    ૭૭
જેડીયુ    ૪૫
હમ    ૪
અપક્ષ    ૧
કુલ    ૧૨૭
મહાગઠબંધન
આરજેડી     ૮૦
કૉન્ગ્રેસ    ૧૯
અન્ય     ૦૫
કુલ    ૧૧૫

national news bihar bihar elections nitish kumar