ટ‍્વિટર પર બિગ બી, રાહુલ ગાંધી અને વિરાટ કોહલી હવે ખાસમાંથી બન્યા આમ આદમી

22 April, 2023 11:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેલિબ્રિટીઝ, પૉલિટિશ્યન્સ, સ્પોર્ટ્‍સ પર્સન્સ અને ઉદ્યોગપતિઓનાં ટ‍્વિટર અકાઉન્ટ્સ પરથી લેજન્ડરી વેરિફાઇડ બ્લુ​ ટિક્સને હટાવવામાં આવી

રાહુલ ગાંધી અને વિરાટ કોહલી

નવી દિલ્હીઃ ટ્વિટરે ગુરુવારે તમામ અકાઉન્ટ્સ પરથી સત્તાવાર માન્યતા ગણાતી લેજન્ડરી વેરિફાઇડ બ્લુ​ ટિક્સને હટાવી હતી. માત્ર એવા જ વ્યક્તિગત ટ‍્વિટર યુઝર્સ વેરિફાઇડ બ્લુ ચેકમાર્ક્સ ધરાવે છે જેમણે ટ‍્વિટર બ્લુ માટે ફી ચૂકવી છે. આ ફી વાયા વેબ દર મહિને આઠ ડૉલર (૬૫૬.૫૯ રૂપિયા), જ્યારે આઇઓએસ અને ઍન્ડ્રૉઇડ પર ઇન-ઍપ પેમેન્ટ દ્વારા દર મહિને ૧૧ ડૉલર (૯૦૨.૮૧ રૂપિયા) છે. નવા રૂલ્સ અનુસાર ટ‍્વિટર વેરિફિકેશન માર્ક પેઇડ સર્વિસ રહેશે.  
ટ્‍‍વિટરના ઓચિંતા આ નિર્ણયના કારણે શાહરુખ ખાન, સલમાન ખાન, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને આલિયા ભટ્ટ સહિતની બૉલીવુડની સેલિબ્રિટીઝ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ક્રિકેટર્સ વિરાટ કોહલી અને રોહિત શર્મા તેમ જ ઉદ્યોગપતિઓ રતન તાતા અને આનંદ મહિન્દ્રએ પણ તેમનાં ટ્‍‍વિટર અકાઉન્ટ્સ પરથી બ્લુ ટિક્સ ગુમાવી છે. 
પશ્ચિમ બંગાળનાં સીએમ મમતા બૅનરજી, ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનાં અકાઉન્ટ્સમાંથી પણ વેરિફાઇડ બ્લુ ટિક હટાવવામાં આવી છે. બ્લુ ટિકનો હેતુ વાસ્તવમાં જાણીતી હસ્તીઓના નામે ફેક અકાઉન્ટ્સ દ્વારા ખોટી માહિતીને ફેલાતી રોકવાનો હતો. 
માર્ચમાં ટ્‍‍વિટરે એના ઑફિશ્યલ હૅન્ડલ પર પોસ્ટ કર્યું હતું કે ‘પહેલી એપ્રિલે અમે અમારા લેગસી વેરિફાઇડ પ્રોગ્રામને સમેટવાનું શરૂ કરીશું અને લેગસી વેરિફાઇડ ચેકમાર્ક્સને હટાવીશું. ટ‍્વિટર પર તમારું બ્લુ ચેકમાર્ક જાળવી રાખવા માટે વ્યક્તિઓ ટ‍્વિટર બ્લુ માટે સાઇન અપ કરી શકે છે.’
ટ‍્વિટરે સૌપ્રથમ ૨૦૦૯માં બ્લુ ચેક માર્કની સિસ્ટમ લાગુ કરી હતી જેથી યુઝર્સ સેલિબ્રિટીઝ, પૉલિટિશ્યન્સ, કંપનીઓ અને બ્રૅન્ડ્સ, મીડિયા હાઉસિસ અને જનહિતનાં અન્ય અકાઉન્ટ્સ જેન્યુઇન છે કે નહીં એની ઓળખ કરી શકે. આ કંપની આ પહેલાં વેરિફિકેશન માટે કોઈ ચાર્જ વસૂલતી નહોતી. 

પેઇડ ટ્‍‍વિટર બ્લુ ટિક માર્કને લીધે કેઓસ થશે
વેરિફિકેશન માટે રૂપિયા ચૂકવવાને લઈને આ તમામ અંધાધૂંધી વચ્ચે નવી સિસ્ટમની ખૂબ ટીકા કરવામાં આવી રહી છે. અનેક લોકો જણાવે છે કે વેરિફિકેશનનો ખરો અર્થ ગુમાવાયો છે. અનેક યુઝર્સે જણાવ્યું છે કે પેઇડ વેરિફિકેશનને કારણે અનેક સ્પૅમ કે ફેક અકાઉન્ટ્સ પણ વેરિફિકેશન બ્લુ ટિક માર્ક ખરીદશે, જેનાથી કયું ટ્‍‍વિટર અકાઉન્ટ જેન્યુઇન છે અને કયું ફેક છે એના વચ્ચે ફરક કરવો યુઝર્સ માટે મુશ્કેલ થઈ જશે. 

national news virat kohli rahul gandhi amitabh bachchan