આ કલેક્ટરે પોતાની ઑફિસમાંથી એસી કઢાવી બાળકોની હૉસ્પિટલમાં ફિટ કરાવ્યું

09 June, 2019 10:56 AM IST  |  ભોપાલ

આ કલેક્ટરે પોતાની ઑફિસમાંથી એસી કઢાવી બાળકોની હૉસ્પિટલમાં ફિટ કરાવ્યું

સ્વરોચિષ સોમવંશી

સમગ્ર ઉત્તર ભારત ગરમીને કારણે બેહાલ છે. મધ્ય પ્રદેશનું ઉમરિયા પણ હાલ પ્રચંડ ગરમીના કારણે તપી રહ્યું છે. આ ગરમીમાં બાળકોની સ્કૂલો તો બંધ છે, પરંતુ હૉસ્પિટલો તપી રહી છે. તાપ અને લૂને કારણે જિલ્લાનું તાપમાન ૪૨થી ૪૫ ડિગ્રી આસપાસ છે. હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલાં બાળકો બીમારી સામે તો લડી જ રહ્યાં છે, સાથે જ ગરમીનો પણ તેમણે સામનો કરવો પડી રહ્યો છે. હૉસ્પિટલમાં દાખલ એક બાળકની મદદ માટે જિલ્લાના કલેક્ટરે સરાહનીય કામ કર્યું છે. તેમણે પોતાની ઑફિસમાંથી એસી કઢાવીને બાળકોની હૉસ્પિટલમાં લગાવડાવી દીધું છે.

રિપોર્ટ અનુસાર, ઉમરિયા જિલ્લામાં બાળકોનું પોષણ પુનર્વાસ કેન્દ્ર આવેલું છે. અહીં શારીરિક રીતે નબળાં અને પોષણની ઉણપ સામે લડી રહેલાં નવજાત બાળકોની સારવાર કરવામાં આવે છે. ગરમીને કારણે બાળકોની હાલત ખૂબ જ નાજુક હતી. તેને જોતા જિલ્લા કલેક્ટર સ્વરોચિષ સોમવંશીએ પોતાની ચેમ્બર અને ઑફિસમાં લગાડેલા ૪ એસીને ત્યાંથી કઢાવીને બાળકોની આ હૉસ્પિટલમાં લગાવડાવી દીધા. ઉમરિયાના કલેક્ટર સ્વરોચિષ સોમવંશીએ કહ્યું હતું કે, આ અચાનકથી લેવામાં આવેલો નિર્ણય હતો, એનઆરસી બિલ્ડિંગની અંદર ખરેખર ખૂબ જ ગરમી હતી, અમે લોકો એસી અરેન્જ કરી રહ્યા છીએ, પરંતુ અમે અનુભવ્યું કે અહીં તાત્કાલિક ધોરણે એસી લગાવવાની જરૂર છે, કારણ કે ત્યાં બાળકો હતાં. એનઆરસીમાં ૪ બ્લોક છે, અમે તમામમાં એસી લગાવડાવી દીધા છે.

આ પણ વાંચો : આજે શ્રીલંકાના પ્રવાસે PM મોદી, રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના સાથે કરશે વાતચીત

કલેક્ટરના આ પગલાંનાં બાળકોનાં માતા-પિતા વખાણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, પંખામાંથી આવતી ગરમ હવા બાળકોની તબિયતને વધુ ખરાબ કરી રહી હતી, પરંતુ હવે તેમને રાહત મળી રહી છે.

bhopal national news