03 October, 2023 09:30 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
યુએસ સ્થિત પ્રાઇવેટ નૉન-પ્રૉફિટ રિસર્ચ ઑર્ગેનાઇઝેશનનાં તારણો અનુસાર ટ્રાફિક સ્પીડના સંદર્ભમાં વિશ્વનાં ૧૦ સૌથી ધીમાં શહેરોમાંથી ત્રણ ભારતમાં છે. રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્રમાં ભિવંડી, કલકત્તા અને બિહારના અરાહ સ્પીડ ઇન્ડેક્સમાં વિશ્વનાં ૧૦ સૌથી ધીમાં શહેરોમાં સામેલ છે.
નૅશનલ બ્યુરો ઑફ ઇકૉનૉમિક રિસર્ચ (એનબીઆઇઆર) દ્વારા હાથ ધરવામાં આવેલા આ સ્ટડીમાં ૧૫૨ દેશોનાં ૧૨૦૦ શહેરોને આવરી લેવામાં આવ્યાં છે.
રિપોર્ટ અનુસાર દિવસભર મોટર-વાહનોની સરેરાશ મુસાફરીની ઝડપ ફ્લિન્ટ (યુએસ)માં સૌથી વધુ છે, જ્યારે બાંગલાદેશની રાજધાની ઢાકામાં સૌથી ધીમી છે અને બોગોટા (કોલંબિયા)માં સૌથી વધુ ગીચ છે.સ્ટડી મુજબ સૌથી સ્લો ટ્રાફિકવાળા ૧૦માંથી નવ શહેરો બાંગલાદેશ, ભારત અને નાઇજીરિયામાં છે.
સ્પીડ ઇન્ડેક્સમાં વિશ્વનાં ૨૦ સૌથી ધીમાં શહેરોમાં ભિવંડી પાંચમું સ્થાન ધરાવે છે. ત્યાર બાદ કલકત્તા છઠ્ઠું, બિહારનું અરાહ સાતમું, બિહાર શરીફ અગિયારમું, મુંબઈ તેરમું, આઇઝોલ અઢારમું, બૅન્ગલોર ઓગણીસમું અને શિલૉન્ગ વીસમા ક્રમે છે. સંશોધકોએ ૩,૦૦,૦૦૦થી વધુ વસ્તી ધરાવતાં ૧૦૦૦થી વધુ શહેરોમાં ટ્રાફિકનું ઍનૅલિસિસ કરવા માટે ગૂગલ-મૅપમાંથી ડેટાનો ઉપયોગ કર્યો હતો.