ઍલર્જી હોય તો વૅક્સિન લેવાનું ટાળો

20 January, 2021 02:21 PM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

ઍલર્જી હોય તો વૅક્સિન લેવાનું ટાળો

પ્રતીકાત્મક તસવીર

સંપૂર્ણ ભારતીય બનાવટની કોરોના પ્રતિકારક રસી કોવૅક્સિનની ઉત્પાદક કંપની ભારત બાયોટેક  અને ઑક્સફર્ડ સાથે મળી વૅક્સિન બનાવતી સીરમ ઇન્સ્ટિટ્યૂટ તરફથી એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઍલર્જી સહિતની કેટલીક સ્થિતિઓ ધરાવતી વ્યક્તિઓએ વૅક્સિન ન લેવી જોઈએ. બન્ને ફાર્મા  તરફથી બહાર પાડવામાં આવેલી વૅક્સિન સંબંધી માહિતીમાં કેટલીક ચેતવણીઓ અને સૂચનાઓ આપવામાં આવી છે.

વૅક્સિન લેનારા તથા વૅક્સિનના ડોઝ આપનારા અને કાળજી રાખનારા લોકોને આપવામાં આવેલી સૂચનાઓમાં ઍલર્જી, તાવ તેમ જ રક્તસ્રાવની વ્યાધિઓ ધરાવતા લોકોને કોવૅક્સિન ન લેવા જણાવવામાં આવ્યું છે. એ ઉપરાંત જે વ્યક્તિઓની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય તેમને અને જે લોકો રોગપ્રતિકારકતા ઘટે એવી દવાઓ લેતા હોય તેમને કોવૅક્સિન ન લેવાની સૂચના આપવામાં આવી છે. લોહી પાતળું થાય એવી દવાઓ લેનારાઓ, સગર્ભા મહિલાઓને પણ કોવૅક્સિન ન લેવાની સૂચના આપવામાં આવી છે. અન્ય વૅક્સિન લીધી હોય કે ગંભીર બીમારીથી પીડાતા હોય તેમને પણ કોવૅક્સિન ન લેવાની સૂચના આપવામાં આવી છે.

ફૅક્ટશીટમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ‘ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ ક્લિનિકલ ટ્રાયલ મોડ હેઠળ મર્યાદિત વપરાશની પરવાનગી આપી છે. આરોગ્ય મંત્રાલયના સાર્વજનિક આરોગ્ય કાર્યક્રમ હેઠળ જેમને પ્રાથમિકતા આપવામાં આવી છે એવી વ્યક્તિઓને રસીકરણ અભિયાનમાં આવરી લેવાનો અમારો પ્રયાસ રહેશે. વૅક્સિનેશન વિશે સંબંધિત વ્યક્તિઓને જાણ કરવાનું કાર્ય સંબંધિત સરકારી કાર્યક્રમના અધિકારીઓની જવાબદારીનો હિસ્સો રહેશે. જેમને વૅક્સિનેશનની ઑફર કરવામાં આવી હોય તેમણે નિર્ધારિત બૂથમાં વૅક્સિન લેવા કે નહીં લેવાનો નિર્ણય જાતે લેવાનો રહેશે.’

coronavirus covid19 national news